રોજિંદા અવરજવરના રસ્તા ઉપર બંને બાજુ ઝૂંપડપટ્ટીની હરોળ. પણ એમાં એક ઝૂંપડું કુંજીનું ફેવરીટ. ઝૂંપડું? અને ફેવરીટ? એવું તો શું છે એ ઝૂંપડાંમાં? એ ઝૂંપડાંની બાહર જુદી જુદી જાતનાં, આકારનાં, કદનાં વાંસનાં ટોપલાઓ અને વાંસ – નેતરમાંથી બનેલી બીજી વસ્તુઓ લટકતી હોય. જ્યારે પણ ત્યાંથી પસાર થતી, એક નજર અચૂક કરી લેતી.

એકાદ વખત ત્યાં સમય કાઢીને ઊભી પણ રહી હતી. અને ચિવટપૂર્વક બનાવેલી કલાકૃતિઓ ખરીદી પણ ખરી. સંવેદનશીલ કલાપ્રેમી તરીકે એક વિચાર કુંજીના મનમાં ઘોળાયા કરે, “શું મેં જે કિંમત ચૂકવી એ યોગ્ય છે; આટલી મહેનતથી બનાવેલી કૃતિની? ફક્ત પેટિયું રળવા જેટલું માંડ મળી રહેતું હશે એ કારીગરને – તો જ તો એ ઝૂંપડાંમાં… રહેવું…”

bamboo 1

કળાની કદર અને મૂલ્ય શી રીતે અંકાય? રૂપિયાથી? પ્રશંસાથી? કે કળાને વધુ વિકસવવાના પ્રોત્સાહનથી?

દેશ અને દુનિયાનાં ખૂણેખૂણામાં અગણિત કળાઓ સમાયેલી છે. કેટલીક કલા, હુન્નર કે આવડત કોઈ વ્યક્તિ કે જ્ઞાતિ પુરતી જ સીમિત રહી જાય છે. કોઈ સાવ સાદી પણ ચિવટથી સર્જેલી, શીખેલી કળાવસ્તુ ક્યાંય ઊંચા સ્તરે લઈ જાય છે; તો ક્યારેક કળા સાધતાં આખો ભવ વીતી જાય તોય પ્રગતિ હાંસલ થઈ શકતી નથી. કહેવાય છે કે “શીખેલું ક્યારેય એળે જતું નથી.” અને જો એમાંય કોઈ કળા શીખવાની વાત આવે ત્યારે આ બાબત ખાસ કારગર છે.

ઝૂંપડાંમાં એ છોકરાને કળાથી પાંગરતાં જોયો હતો. એકએક વસ્તુઓને સાચવીને રજ સાફ કરી ગોઠવતાં જોયો હતો. ક્યારેક ધગશથી વાંસની પટ્ટીઓને ગૂંથીને આકાર આપતાં નિહાળ્યો હતો. એ બધું યાદ કરતાં કુંજીનાં મનમાં કલા; કલાકાર અને કલારસિકો વિશે આવા અનેક અણિયાળા પ્રશ્નો ઉદભવ્યા કરે.

Bamboo 3

આજકાલ તેને તેનો એ રસ્તો સૂનો લાગતો હતો. કારણ? કારણ પણ સ્વાભાવિક છે. કેટલાય દિવસથી એ સડકની રોનકમાં ઓછપ વર્તાતી હતી. એ કારીગર કે તેની કારીગરી ઝૂંપડાંની બાહર દેખાતાં નહોતાં. ઝૂંપડું પણ સાવ જર્જરીત હાલતમાં હવા સાથે ઝોકાં ખાય છે… “શું થયું હશે એ કારીગર જોડે? ક્યાં જતો રહ્યો હશે? એના ઝૂંપડાંની હાલત આવી કેમ? એણે ઝૂંપડાંની બાહર ફોન નંબરનું સાવ પૂંઠાંનું પાટિયૂં લટકાવ્યું હતું. ત્યારે જતે-આવતે નંબર નોંધી લીધો હોત તો? કોઈ સાવ અજાણ્યા માટે આટલો ઉદ્વેગ કેમ મને?” કુંજી પોતાના વિચારોની ગતિને રોકી શકે તેમ ક્યાં હતી?

એક દિવસ તેણે જાતે જ રોકાઈને એ ઝૂંપડાંની આસપાસ લોકોને પૂછવાનું નક્કી કર્યું. ગાડી રસ્તાના ખૂણામાં ઊભી રાખવા અને થોડીવાર અહીં જ રાહ જોવાનો ડ્રાઈવરને આદેશ આપી એ ઝૂંપડાંની ભાળ કાઢવા ઊતરી. “મેડમ આમ આવીને પૂછપરછ કેમ કરતાં હશે?” એવો આસપાસ વસવાટ કરતાં ઝૂંપડવાસને થાય એ સ્વાભાવિક જ છે. તોય બીતે બીતે અને અટપટી છટાએ કરાતા વાર્તાલાપમાંથી ફક્ત એટલું જાણવા મળ્યું કે થોડા દા’ડા અગાઉ જે વાવાજોડું આવ્યું હતું; તેમાં તેને ભારે નુક્સાન થયું હતું. એ નુકસાનની ભરપાઈ કરવા બીજે ગામ, કામ શોધવા એ લોકો જતાં રહ્યાં છે.

 

સૌનો આભાર માની એ ગાડીમાં બેઠી. આખે રસ્તે એ વિચારે ચડી. “વાવાજોડું…? થોડા દિવસ પહેલાં? ક્યારે આવ્યું? અરે હા…! ગયે અઠવાડિયે એક અષાઢી સાંજે અતિ જોરથી પવન ફૂંકાયો હતો. મેં તરત જ કામવાળીને બધાં બારી બારણાં બંધ કરી દેવા કહ્યું હતું અને ધૂળની ડમરીથી ઘર ગંદું ન થાય તેની સાવચેતી રાખવા પણ કહ્યું હતું.

zupadi

અગાસીએથી ઢળતા સૂરજની લાલીમા અને ડોલતાં વૃક્ષોના ફોટા લેવા ડિ.જી.કેમ લઈને હું પહોંચી ગઈ હતી. આ ઝૂંપડવાસનાં લોકો એ જ સાંજની તો વાત નહીં કરતાં હોય ને? અગાસીએથી નારિયેળીના પર્ણો કેવાં હલતાં હતાં. તૂટીને ક્યાંય દૂર ફંગોળાતા જોયાં હતાં.. પવનના વેગને તો કેદ કરી શકી નહીં. પણ કુદરતના એ રૌદ્ર તાંડવ સ્વરૂપ દૃશ્યને કેમેરામાં કેદ કર્યું હતું.

“આહ! તો શું એ પરિવાર તે સમયે? અરે, ભગવાન… કુદરતની લીલા કોણ સમજ્યું છે? કોઈના માટે એ ક્ષણ ભારે સંકટની, તો કોઈ માટે કુદરતી કૌતુકને માણવાની અને તેને કચકડે જડવાના શોખીનને તક…”

સાંજે સાત વાગ્યે ગરમાગરમ આદુવાળી ચા સાથે સ્થાનીક ટી.વી. ચેનલના સમાચારમાંથી બધી વિગત મેળવી સખી મંડળની બહેનોને અસરગ્રસ્તોને મદદની હાક માટે ફોનનાં ચકેડાં પણ ગુમાવ્યાં હતાં. સહાય પહોંચતી કરવા બીજે દિવસે શહેરની ઘણી ઝૂંપડીઓ ફરી વળી હતી. તો આ જ કેમ રહી ગઈ હશે? હશે…? જે થયું તે…! ઈશ્વરે તેની સહાય કરી જ હશે એવી પ્રાર્થાના કર્યા સિવાય કોઈ છૂટકો ન હતો.

***

સમયચક્રના સથવારે આ કલાકૃતિઓથી સભર ઝૂંપડું એક ઘટના બની માનસપટ પરથી ઓસરવા લાગ્યું. શહેરની એ ફૂટપાથ પર બીજી અનેક ચીજવસ્તુઓ વેચનારા બેસતા થઈ ગયા હતા. પણ પેલી રોનક કે શોભા તેમાં વર્તાતી ન હતી.

bamboo 2

એકવાર થોડો સમય ફાજલ થતાં શહેરનાં પ્રખ્યાત મેદાનમાં “કલા ઉત્સવ” પ્રદર્શનમાં સહેલીઓ સાથે ટહેલવા અને કળાકૃતિઓ મહાલવા પહોંચી. અલગ અલગ પ્રાંતની પ્રાચીન – અર્વાચીન હસ્તકલાઓ; માટીનાં જૂની ઢબનાં તો આધુનિક કાચનાં-પ્લાસ્ટિકનનાં નાનામોટાં ઘરવખરીનાં સાધનો; રમકડાં, આયુર્વેદિક દવાઓ અને સાહિત્યિક – આધ્યાત્મિક પુસ્તકોથી સજ્જ હતું એ પ્રદર્શન.

ત્યારે એકાએક તેને ફરી પેલા ટોપલા, ઝૂંપડું, વાવાઝોડું બધું યાદ આવ્યું. સાથે આવેલી સખીઓને તે હજુ એ જ બધી વાત કરતી હતી.

એવામાં એક જાણીતો ચહેરો અને એ જ બધી વસ્તુઓ દેખાયાં. “અરે! આ તો એ જ… ઝૂંપડવાસવાળો કારીગર.” એ પણ મેડમને તરત જ ઓળખી ગયો. હાથ જોડીને નજીક આવી વાત કરવા લાગ્યો. સાથે આવેલી સહેલીઓ આ દૃશ્ય જોઈ આભી થઈ ગઈ. કુંજીએ કારીગરની ઓળખાણ સખીઓને કરાવી. “સો વર્ષનો થઈશ.. હમણાં જ તને યાદ કર્યો. તારી ખબર કાઢવા એકવાર ત્યાં વાસમાં પણ ગઈ હતી.” એવું કુંજીએ ઉત્તેજીત થઈને કહ્યું અને વળી ઉમેર્યું કે અહીં તેની કલાની સાચી કદર થશે. તને આ રીતે સદ્ધર જોઈ ખૂબ જ ખુશ થઈ છે.

bamboo 4

તે કારીગર પણ જાણે કોઈ પોતિકાંને મળ્યો હોય એવા ઉમળકા ભેર આપવીતી કહેવા લાગ્યો; “તે સાંજ પછી અમદાવાદ તરફ અને પછી તો ઘણાં ગામ ફર્યો. તમારા જેવા એક સાહેબે કદર કરીને મને આ “કલા ઉત્સવ”નો સંપર્ક કરવા કહ્યું. ઘણી જહેમત પછી હવે આ રીતે ગામેગામ પ્રદર્શનમાં ભાગ લેવાની તક મળી છે તેનો લાભ લઉં છું.” કુંજીને એની વાતો કરતાં એણે બનાવેલા ટોપલા, નાની નાજુક બાસ્કેટ, ટ્રે અને ફૂલોનાં કુંજા ઉપર ધ્યાન હતું. તેની કલાકૃતિઓ પહેલાં કરતાં પણ વધારે નિખરી હતી. સાદા વાંસને રંગીન કરી આભલા, તૂઈ, કોડાં, ફૂમતાં અને બીજા શુશોભનથી સજ્જ કરી હતી. ‘પ્રોફેશનલ ટચ’ એટલે કે તેનાં કાર્યોમાં એક વ્યવસાયિક ઓપ આવી ગયો હતો. આ બધું જોઈને, સાંભળીને જાણે એ કારીગર છોકરાની જનનીને થયો હોય એટલો આનંદ અને હાશકારો કુંજીને થયો.

Kunjal Jivanonnayan

 

વાર્તા સંગ્રહઃ જીવનોન્નયનમાંથી…

2 thoughts on “કળા ક્યારેય કટાય?

Leave a comment