સરનામું : દિવાલ પર જડેલ ખીટીએ લટકતું તારીખિયું.

પ્રિય,
સતત સાથ નિભાવતું વાર્ષિક વર્ષ.

patra

કેમ છે દોસ્ત? શું નવા – જૂની? અરે, હુંય શું પૂછું છું. તું તો પોતેજ જૂના થઈ જવાની અને નવા સ્વરૂપે હાજર થવાની ફિરાતમાં છે. તો તે તૈયારી કરી જ લીધીને રુક્સદ થવાની? તું વળી કહીશ કે એમાં તૈયારી શું હોય જવાનો સમય આવશે એટલે નીકળી પડીશ. હેં ને?

બસ,

સાવ આવું? અમ જ જતો રહીશ તું? જરા પાછો વળીને જોવાનું પણ તને મન ન થાય તને?
હું ઘડીક વીચારું છું કે તારા સાથે કેવો સારો નરસો – સમય ગાળ્યો. કેટલીય ખાટી, મીઠી, કડવી યાદો; પૂરાં અધૂરાં સ્વપનાઓનો માળો, મારા મનઃપટ્ટ પર આ ઘડીએ તરવરે છે. તને આવું કશું જ નથી થતું?
મને ખબર છે, તું જઈશ તો ક્યારેય પાછો નથી આવવાનો. અને એ પણ ખબર જ હતી કે તું આવ્યો હતો ત્યારે જ કે તું તારા નિશ્નિત સમયે જવાનો જ છો. છતાંય, મારા મનમાં આવું કેમ થાય છે? બધું સૂનું કેમ લાગે છે? કેમ ખાલીપો વર્તાય છે? મને નથી સમજાતું, તને ખબર હોય તો કહેને યાર!

કેલેન્ડરમાં સમાઈને સમયાંત્તરે બદલાવવું તારી નિયતિ છે. ફિતરત છે તારી. તને ક્યાં કશો ફરક પડે જ છે. તું તો સાવ કેવો છો? લોકો તારા જવાનો જશન મનાવે છે! ખાણી – પીણી સાથે સંગીતની રેલમછેલમાં તરબોળ થઈને તારા બદલાવવાની અણીની ઘડીએ ઊંધી ગણતરી માંડીને સહુ તને વિદાય આપે છે. તને ક્યારેય દુઃખ થાય, ખરું? બોલને યાર, આટલો મહાન હશે કોઈ બીજો તારા સિવાય?

તારામાં વણાયેલી તારીખો અને સમયની ક્ષણો પર લોકો પોતાનું જીવન આયોજીત કરે છે. તું તારું મહત્વ ઓછું ન આંકતો. ગમે તે દેશ પ્રદેશનો હોય, તારું સ્થાન તો મોખરે જ!

નિશાળનાં પાટિયાંનાં પહેલા ખૂણે તને સ્થાન મળે અને બાળકનાં ગૃહકાર્યને અંતે શિક્ષકની સહી સાથે તારી તારીખ સહ નોંધ લેવાય. દિવસની દિનચર્યા લખવાની ઘણાંને ટેવ હોય છે. એવી રોજનિશિઓમાં તારું અમૂલું મહત્વ હોય છે. મોટાંમાં મોટી સફળ વ્યક્તિઓ, વ્યવસાયિક અને વ્યવહારિક કામગીરીઓ તનેજ અનુસરીને પોતાનું જીવન ગોઠવે છે. અને એક સૌથી મહત્વની મજાની વાત કરું? જીવનનાં અસ્તિત્વનાં પાયા સમો જન્મદિવસ કે લગ્ન, સગપણ જેવી કેટલીય વાર્ષિક વર્ષગાંઠ પણ તને ઉલ્લેખીને ઉજવાય છે. બોલ તને ખબર હતી આ બધી? નહિ જ હોય ને? મારા સિવાય તને કહે પણ કોણ?

તને ખ્યાલ છે, તારા જૂનાંખખ થઈ ગયેલ સરનામાં એટલે કે તારીખિયાંઓનાં બંબૂડાંઓ પસ્તીમાં સાવ નજીવા મૂલે વહેંચાઈ જાય છે. તો ક્યારેક કોઈ સુંદર મુખપૃષ્ટવાળું કેલેન્ડર હોય તો વિદ્યાર્થીઓની ચોપડીઓનું આવરણ બનીને સચવાઈ રહે છે. તારા મોટાં કદનાં સરનામાથી માંડીને ટચૂકડા ખિસસામાં મૂકી રખાય એટલું નાનું સ્વરૂપ પણ બને છે. અરે! મોબાઈલ ફોન અને લેપટોપ – કોમ્પ્યુટરનાં સ્ક્રીન ઉપર તો પહેલી જગ્યા તારા માટે આરક્ષિત રહે છે.

તારા જૂના થવાનાં દિવસો જેમ જેમ નજીક આવે અને અખબારો, સામાયિકો અને ટી.વી સમાચારોમાં તારા કાળક્રમ દરમિયાન બનતી ઘટનાઓનાં લેખાં – જોખાં થાય. સરવૈયું કઢાય કે તું કેટલી હદે લાભકારી રહ્યો અને તારી અવધિ દરમિયાન કેવું નુકસાન નિપજ્યું! અરે, ભગવાન, મને તો એ સમયે દુઃખ લાગવા લાગે કે લોકો તને માણવાને બદલે આંકડાકીય અહેવાલો મૂકે. તારું અવમૂલન કરવાવાળા અમે કોણ? વળી, કોણ આ સમયગાળામાં સફળ રહ્યું, કોને નિષ્ફળતા સાંપડી અને એવા કેટલીય યાદીઓ બને. કરૂણ ઘટનાઓનાં પાનાંઓ ખોલે અને ખુશહાલી ભર્યા પ્રસંગોની પ્રસંશાઓ થાય.

વર્ષાંતે વિશ્વવ્યાપિ સૌ કોઈ નજરો ટાંપીને ઘડિયાળનાં બે કાંટાં મદ્યરાતે એકમેકમાં પરોવાય અને તારા એક રૂપની વિદાય થાય અને નવતરને નવાઝાય. લોકો સહર્ષ વધાવે તારા રૂપકડા નવા અવતારને અને જો રખેને એમનો એ સમય ખરાબ વિતે તો ઠપકોય તને જ આપે. સતત સમયાંતરે તારે નવલરૂપ ધારણ કરીને માનવીય માનસને એક આશ્વાસન પૂરું પાડ્યા કરવાનું કે અમનાં જીવનમાં નવતર સંજોગો આવશે. સારી આશા જગાડે રાખવાનો જાણે કે તે ઠેકો લીધો.

શું આ રિવાજ તને ગમે છે?

શૈશવ અવસ્થા હોય કે શાળા જીવન કે કોલેજનો કાળ; કૌટુંબિક પ્રસંગો હોય કે સામાજીક કે રાજનૈતિક ઘટનાઓ હોય, તારી હજરીમાં જ તો બધા બનાવો બને છે. તું જ તો સાક્ષી ભાવે બધું જ જુએ છે અને પ્રવાહિત પણે પ્રગતિશીલ બની આગળ ધપે છે.

ખરું કહું તો મને તારી આ રીત ગમે છે. તું કેટલો સરળ અને તરલ છો; સહુ નાહક તને જટિલ બનાવે છે એવું મને માંહ્લાંમાં ભાસ્યા કરે છે. તું, પાણી અને રેતી મૂઠીમાં બાંધ્યો ક્યાં બંધાય? અને તને રોકાય પણ શા માટે. તું ભૂતકાળ થઈને સ્મૃતિ સ્વરૂપે અને ભવિષ્યમય શમણાંઓનાં રૂપમાં પંકાય છે. ત્યારે મને તો તને હાલનાં જ તબ્બકે એટલે વર્તમાનમાં જે કોઈ સંજોગોમાં હોય એજ રીતે ગમે છે. અને સૌએ પણ તારો એજ રીતે સ્વીકાર કરવો જોઈએ એવું મને લાગે છે. તું વળતારા જવાબમાં પરબિડિયું મોકલીશ ખરો? તું શું માને છે કહી શકીશ?

ઓહો! તું ક્યાં જબાવતલબ કરવાનો. તું તો ફક્ત એક વર્ષ જ છો. દર વર્ષે નવો અને દર વર્ષે જૂનો થાય એજ છો ને?

ચાલ, પત્ર આટોપવા સાથે તને મારી લખેલ પંક્તિ વંચાવું છું. તારી હંમેશની પરિસ્થિતિ અને મનોવ્યથા આમાં આબેહૂબ કેદ કરવાની મેં કોશિશ કરી છેઃ

31Dec kunjkalrav

એક નવો સુરજ ઉગવાને આતુર;
ને અંતિમ ચાંદની આથમવા મથતી.
એક નવો પ્રભાત પ્રારંભને આતુર;
ને નર્યા શમણાં પાપણમાં સજાવતી.

  • કુંજકલરવ

ચાલ, હવે જા.. હુંય શું તને રોકી બેઠી છું.. તું ક્યાં રોકાવાનો છો..

તને એમ પણ નહીં કહી શકું ફરી મળીયે… તું જાઈશ પણ જ્યારે ભૂતકાળની દીવાલોનાં ઝાળાં ખંરેરવાની ઈચ્છા થશે તો ત્યારે તને પણ કદાચ યાદ કરી જ. તને જાકારો તો નહીં જ આપું પરંતુ તારા આવનાર નવા અવતારને ચોક્કસ ઉમળકા ભેર આવકારીને સ્વાગત કરીશ જ… હેપ્પી ન્યુ યર કહીને.

લિખિતંગઃ સમયની સરવાણી સાથે સતત સધિયારો સાધતી સહેલી.

  • કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’
    kunjkalrav@gmail.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s