jaruriaat shani?

તારીખઃ ૧૮.૧૦.૨૦૧૬ દિવ્યભાસ્કર મધુરિમા પૂર્તિ પાનંઃ ૯ નવલિકાઃ જરૂરીયાત શાની?

http://epaper.divyabhaskar.co.in/detail/603395/10182547390/text/56/10-18-2016/10/map/0/

જરૂરીયાત શાની?

“ચપટીક ધૂળની પણ ખપત રહે ક્યારેક. તું આ વાત ક્યારે સમજીશ, કૃતિ?” માનો આ કાયમનો ધ્રુવ પ્રશ્ન હતો. “મમ્મી, આજે આપણી પાસે બધું જ છે. મને મારી કાબેલિયત પર ભરોસો છે. કોઈની પણ પાસે હાથ લંબાવવાનો વારો આવશે નહીં. તું શા માટે ચિતા કરે છે?” કૃતિ આત્મવિશ્વાસ સાથે ભારી સ્વરે બોલી ગઈ. દીકરીના આવા બેફિકરા શબ્દો પર માને કાયમ રંજ રહ્યા કરે.

પિતાના અવસાન પછી મા-દીકરી, ભાઈભાભીનાં ઓશિયાળા થવાને બદલે સ્વાભિમાનથી જુદા થયાં. સારી નોકરી અને હોદ્દો મેળવી કૃતિ પગભર થઈ. જમાનો જોયેલ આંખોવાળી એ પણ માનો જીવ ખરો ને? દીકરી માટે ઘણાં અરમાન હોય. ન તો એને પરણવામાં રસ કે ન તો કુટુંબીઓ સાથે જીવવામાં. એ તો ફક્ત સ્વમાં રાચતી. સમાજ અને સંસારનાં નિયમો સહિત બધુંજ ઓસરતી જતી હતી. કારકિર્દીમાં કાબેલિયત દાખવવાનાં નશામાં તે ક્યારેક મા સાથે તો ક્યારેક ઓફિસમાં સહકર્મચારીઓ સાથે ઉદ્ધત વર્તન કરી બેસતી. “સ્વાભિમાન સારૂં, અભિમાન નહિ.” એને કોણ સમજાવે? કરે પણ શું? મા સમજાવીને થાકી. બલિયસી કેવલમ ઈશ્વરેછા; મુજબ બધું વિધાતા પર છોડી મૂક્યું માએ. ધાર્યું ધણીનું થાય એ ન્યાયે ધીરજ ધરી. પણ આ શું? આવું બનશે એ તો મા એ પણ નહોતું ઈચ્છ્યું.

***

એક દિવસ ઓફિસ જતી વખતે મા-દીકરી વચ્ચે ઉગ્ર ચર્ચા ઉપજી. “રાધા ફોઈને ત્યાં આજે પ્રસંગ છે. એમના દીકરાની સગાઈ છે. તું વહેલી આવી જજે. આપણે જઈ આવશું.” માએ દીકરીના સ્વભાવથી વાકેફ હોવા છતાં વાત રજુ કરી. “મમ્મી તમને ખબર છે ને? મને આવા નાનામોટા કૌટુંબિક પ્રસંગોમાં બનીઠનીને કૃત્રિમ લાગણી બતાવતા ફરતાં રહેવું સહેજ પણ પસંદ નથી. તમને જવું હોય તો ટેક્સી મંગાવી આપીશ.” પોતાનું લેપટોપ બેગ અને ગાડીની ચાવી હાથમાં લેતાં કૃતિ બોલી. “આવું વલણ રાખીશ તો મારી ઠાઠડી ઉપાડવાય કોઈ નહિ આવે. હું મારે જઈ આવીશ રાધા ફોઈના પ્રસંગમાં…. તું તારે તારા સ્વાર્થી અને ઔપચારિક જીવનમાં જીવ.” અતિશય અકળાયેલા સ્વરે મમ્મી બોલતાં રહ્યાં અને કૃતિ ખૂબ જ ઉતાવળે ગાડી હંકારી ગઈ.

***

કૃતિનાં ગયાને એકાદ કલાકમાં લેન્ડલાઈન ફોન રણક્યો. “કૃતિ શર્માનું ઘર છે?” જી, હા. હું એની મમ્મી.” “તેનો અકસ્માત થયો છે…..” સાંભળતાં જ તેઓ સ્તબ્ધ થઈ ગયાં. હોસ્પિટલની માહિતી લઈને ફોન મૂક્યો. એ ક્ષણે બીજું કંઈ જ ન સૂઝતાં દીકરાવહુને ફોન જોડ્યો. તેમની સાથે તરત જ હોસ્પિટલે પહોંચી ગયાં.

“ઈશ્વરનો ખૂબ ખૂબ પાડ કે તેને વધુ ગંભીર ઈજા થઈ ન હતી. બંને પગે હાડકાંની તડને લીધે શસ્ત્રક્રિયા કરવી પડશે. મહિનો, બે મહિનાનો આરામ.. પછી સાજીનરવી તમારી દીકરી.” હાડકાંનાં નિષ્ણાંત તબીબે કૃતિની માને સાંત્વના આપી.madhurima-jaruriaat-shaani

દસ દિવસે કૃતિ ઘરે આવી. સાથે વીલ ચેર પણ આવી. જાતને મનાવી. “હશે, મહિનો – બે મહિના વધુમાં વધુ; નિભાવી લઈશ.” આરામ, કસરત અને દવાઓ તો ખરી જ પણ સાથે અવારનવાર ભાઈભાભી અને બીજા સગાં સંબંધીઓય મળવા આવતાં જતાં. કૃતિને આ બધું ઓચિંતું ગમવા લાગ્યું. તોય ક્યારેક એનો જૂનો સ્વભાવ છલકાઈ આવતો વર્તનમાં.

પરવશ જીવન; ભલેને થોડા દિવસોનું, તોય તેને કઠતું. મહિનો ક્યાં વીતી ગયો ખબર જ ન પડી. ધીમેધીમે ઘરમાં કુટુંબીઓની આવનજાવન ઓછી થઈ. આખો દિવસ આમ એકજ પરિસ્થિતિમાં બેસીને કૃતિ કંટાળવા લાગી. પુસ્તકો કે તેની લેપટોપની દુનિયા તેને આભાસી લાગવા લાગી. જરાક કોઈ અજાણ્યો અવાજ સાંભળે અને દરવાજે નજર કરી લેતી કે શું કોઈ એને મળવા આવ્યું?

પોતે જ્યારે તેની કારકિર્દીની વ્યસ્તતામાં હશે ત્યારે મમ્મી આખા ફ્લેટમાં એકલી શું કરતી હશે? નાહક હું તેને ઠપકો આપતી કે શું લેન્ડ લાઈન પકડીને બેઠી હોય છે આખો દિવસ, મારા કરતાં તને દીકરો-વહુ વધારે વ્હાલાં…. વગેરે બોલીને મમ્મીને ચીડવ્યા કરતી. પોતિકાં લોકો વગરનું જીવન કેવું વસમું હોય છે એ કૃતિને સમજાવા લાગ્યું. એવામાં કંઈક એવું બન્યું કે એક સાવ નાનકડો પ્રસંગ તેને નખશિખ બદલી ગયો. જે મા કાયમ સમજાવતી તે અનાયાસે કૃતિ સમજી ગઈ.

***

એક રાબેતી સવારે કૃતિ નિત્યક્રમ આટોપી ઓરડાની બહાર નીકળી. આરસનાં મંદિરમાં રાખેલ દેવનાં દર્શન કર્યાં. રસોડાની બારીએ સરસ ઉનો તડકો આંખે વળગ્યો. સુષુપ્ત ચેતા જાગશે એમ વિચારી આયાને વીલ ચેર એ તેજ પટ્ટ પાસે મૂકવા કહ્યું. ઘડીભર હૂંફ મળી. બારી બહારની ચહલપહલ નિહાળી.

ત્યાં  દરવાજે ચીંથરેહાલ નાનકડી છોકરી ઊભી. “બેન કોઈ જૂનાં ચપ્પલ હોય તો આપોને. પગ બળે છે.” અપાર વિસ્મય સાથે કૃતિએ એ છોકરીને અંદર બોલાવી. તે છોકરી જમીન પર જ સામે સંકોચથી બેઠી. આયાને તેને ઠંડું પાણી આપવા કહ્યું. તેની સાથે વાતો કરવા લાગી. સોળેક વર્ષની એ કિશોરી હતી. પોતાના નાનાં ભાંડેરાં અને કુટુંબનું પેટ રળવા તે મજૂરી કરતી હતી. “તું ક્યાં રહે છે?” જવાબમાં પેલી છોકરીએ જીવનકથાની પોથી ખોલી. તેનાં રહેવાસની અને માબાપની ગરીબાઈની વાતો સાંભળી કૃતિની આંખે ઝળઝળિંયા આવી ગયાં. નજીકનાં ચોગાનમાં કોઈ મોટું મકાન ચણાતું હતું જ્યાં એ ઈંટ, રેતી, માટીનાં ઘમેલાં ઉંચકીને ઠલવવાની મજૂરી કરતી હતી.

“આવી અભણ અને અબૂધ પણ પરિવારની પરવાહ કરે છે ને હું?” પળવારમાં કાયાપલટ. કૃતિ વધુ પૂછે ત્યાં તો એ ઊભડક પગે બેઠેલી છોકરી બોલી, “બેન ચંપલાં સાટું બેઠી. ઝટ જાઉં મારે, નૈ તો પેલી સાઈટનો શેઠ બરકશે.”

થોડીવાર પહેલાં જે ઉષ્મા ભર્યો તડકો કૃતિને રોચક લાગતો હતો એ જગ્યા એ વધુ સમય બેસી રહીને તે પરસેવે ભીંજાવા લાગી હોય એવું અનુભવ્યું. તેનું વિચારમંથન અટક્યું અને તરત કૃતિએ આયાને કહ્યું, “આ છોકરીને મારા જૂતાનું કબાટ બતાવ. એને જે જોડી પસંદ પડે આપી દે.” પેલી મજૂરણ છોકરી તો અવાચક બનીને અત્યાધુનિક જૂતાનો સંગ્રહ જોવા લાગી. તેણે તો એક સાદી સ્લીપરની જોડી લઈ લીધી. “બહેન તમારો આભાર.” કહી ચાલવા માંડી. “અરે, ઊભી રહે. આ સાવ સાદી ચંપ્પલ જ કેમ લીધી તે?” એવું પૂછ્યા વગર કૃતિથી ન રહેવાયું. “બહેન મજૂરી કરતાં પડી નો જાઉં? જો આવડી ઊંચી એડીના જૂતાં પહેરું તો?” તેણે સરળ છતાં રમૂજ છટામાં જવાબ આપ્યો અને બંને હસી પડ્યાં. “બીજું કોઈ કામ હોય ત્યારે આવતી રે’જે સંકોચ વગર, હોં ને?” એમ કહી કૃતિએ તેને વળાવી.

***

“હાશ્શ્…. હવે કરસત અને વીલ ચેરથી છુટ્ટી મળી.” એવું કહી કૃતિ મમ્મીને ભેટી પડી. અઢી મહિના પછી અંતિમ તબ્બકાની તપાસ કરાવા હોસ્પિટલથી વળતે જાતે જ કૃતિ ગાડી હાકલતી મમ્મી સાથે જઈ આવી. ગાડી પોતાના ફ્લેટ તરફ વાળવાને બદલે ભાઈના ઘર તરફ હંકારતાં જોઈ મમ્મી બોલી; “બેટા ભાન ભૂલી શું? આ તો.. ભાઈનું….” “મમ્મી મેં ભાઈભાભીને સવારે જ ફોન કરી દીધો છે કે આજે હોસ્પિટલથી વળતે હું ને મમ્મી ઘરે આવશું. રાધા ફોઈનું કુંટુંબ પણ આવશે જમવા. કેમ કે મારા અકસ્માતને દિવસે જ તો તેમના દીકરાની સગાઈ હતી, ને? હું ક્યાં મળી છું? નવી ભાભી કે ભાઈને? તો આજે બધા આપણા ઘરે, પપ્પાના ઘરે, સાથે જમશું.” આટલું બોલી ત્યાં ઘર આવી ગયું. કૃતિનાં મમ્મીએ નવી જ કૃતિને જન્મ આપ્યો હોય એવું અનુભવતે પોતાના પતિ સાથે વિતાવેલ જીવન સ્મૃતિસંગ્રહ સમાં ઘરમાં પ્રવેશ્યાં.

કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’
kunjkalrav@gmail.com

સાભારઃ  દિવ્યભાસ્કર મધુરીમા;  સ્ત્રીઆર્થ ટીમ

freeDomonwheels

first-clik-freedomwheels

Yes, It’s a Year..  એક વર્ષ પહેલાં જ હું સ્વતંત્રપણે ફરતી થઈ. ત્રણ દાયકાની સ્થીર પરિસ્થિતિએ એક ગતિ આપી. મારા હાથમાં ફ્રિડમ વ્હિલ્સનું ઓટોમેટિક જોયસ્ટિક સ્ટિયરીંગ આવ્યું. આહ! એ પહેલો ચક્કર, કોઈ પહેલીવાર પગલાં માંડે, સાયકલ, બાઈક કે ગાડી હાકલે અને જે ઉલ્હાસ, ગભરાહટ અને રોમાંચનું મિશ્રણ અનુભવે એથી કદાચ આ ત્રણગણી વધારે તિવ્રતા ભરી લાગણી હતી.

એક બપોરે અમારા એક વ્હોટસેપનાં ગ્લોબલ ડિસેબલ ગૃપમાં વિડિયો જોયો, કદાચ ઓગસ્ટ – સપટેમ્બર હશે, યાદ ક્યાં રહ્યું? યાદગાર નિર્ણય લેવાઈ ગયો કે આ વ્હિલચેર મારે લેવી. વિડિયોમાંથી નંબર મેળવ્યો, મમ્મીને કહ્યું, “બેસ બાજુમાં અને સાંભળ.” ૨૨ મિનિટ ચાલેલ ફોનમાં જિગ્નેશભાઈ સાથે વાત કરતાં થયું કે યેસ, આજ છે જે હું શોધતી હતી..

ઘરે સૌને વાત કરી.. ડેમો પણ લેવો કે કેમ? એ પણ રિસ્ક લેવા જેવું હતું. હાથ મિલાવવો, એટલે કે શેક હેન્ડની મૂવમેન્ટ પણ વધારે ફોર્સ આવે તો આંગળીઓ કે કાંડામાં ફ્રેક્ચર પડે એટલાં નાજુક અને બરડ હાડકાંનું આખું માળખું, આઠ સ્ટિલ રોડ (ઓપરેશન કરેલ સળિયા)થી ટક્યું છે, કે જે ૭થી ૮ ઓપરેશન તબ્બકાવાર નાનપણમાં કરાવેલ. જરાક પણ ગબડી તો ગઈ સમજો…

એક વર્ષ પછીનાં અનુભવો શેર કરું છું આજે. પપ્પાનું રિટાર્યમેન્ટ ગીફ્ટ કહો કે દીવાળીની, કાકા ઘણીવાર કહેતા હોય, તને એકટીવા લઈ આપવાનો ખરચો બચ્યો…! ત્યાં તો આ તોએથીય વધ્યું. પપ્પાનું રિટાર્યમેન્ટ જાણે હું, મમ્મી – પપ્પાનું ફરવામેન્ટ… અંક્લેશ્વર કાકા પાસેથી અમદાવાદ રિટર્નમાં ઉપડ્યાં. એટલાંમાં તો જિગ્નેશભાઈને ૨૫-૩૦ ફોન થયા હશે એ નિર્ણય લેવામાં કે ડોમો લેવો કે નહિ.

એ દિવસથી આજ સુધી પારિવારિક ઘરોબો થયો, અત્યાર સુધીમાં ત્રણેક વખત એમનાં ઘરે અને વર્કશોપમાં જઈ આવી, જમી આવી અને અનેક અનુભવોનું ભાથું લાવી.

અમારી ગાડી, રિટઝમાંથી મારી રેગ્યુલર ચેર કઢાવી જ નહિં અને ડેમોસ્ટ્રેશન માટે મૂકેલી ચેર પર બેસાડી. “બેલ્ટ બાંધવો છે?” “જરા સંભાળ..” “પેનની જેમ પકડ..” “આરામથી..” “અલી, પાછળ ન જો.. સીધું જો..” અનેક વાક્યોને ઝીલતાં એક રાઉન્ડ માર્યો. એમની સોસાયટીનું સ્પીડબ્રેકર મસ્ત છે, ઠેકાવ્યું.. ઢીંડુંબ… “એ એ.ઈ…..ઈઈઈઈ…… જો,,,,” “એ.. પપ્પા…..” બધાં દોડ્યાં.. પણ કંઈ ન થયું સહેજ આગળ ખસકીને કુંજલબેન તો ચાલ્યાં, સોસાયટીનાં ગાર્ડન તરફ! એ પછી, ગ્રાન્ડભગવતી વાળા ધમ્ધમતા રોડ પર પ્રથમ સવારી નીકળી, પપ્પા ભાઈ, કાકા ચલતા અને જિગ્નેશ ભાઈનો સન અને હું પોતપોતાની ફ્રિડમ વ્હિલ્સ પર..

એ પછી, ડર ગાયબ હતો. એ વિડિયોઝ જોવું તો સૌ કહે જો તો કેવી મલકાય.” “યેસ, મલકની ખુશહાલી મળી છે. કેમ ન મલકાઉં?”

કેટલીય વાર, પપ્પા – કાકાની આંગળી ચપલી હશે આ ચાંપલીએ. ભાઈઓ અને દોસ્તારોનાં સ્પોર્ટસૂઝ કચડ્યા હશે, આ એક વર્ષમાં. મહુવાનાં ધૂળીયા રસ્તા પર બાપુની પગદંડીએ ઘૂમી અવી. ગિરનારની તળેટીની ખરબચડી કેડીઓ ચડી, અમદાવાદનું રિવર ફ્ર્ન્ટ ફરી. માંડવીનાં બીચ પર છેક કીનારા સુધી ઉપડી હતી અને ભાઈઓનાં લગ્નમાં વરઘોડામાં પણ… નાચી.. જાતે ફરતે ફરતે…..

જુલાઈ ૩૦, ૨૦૧૬ની સાંજ, કાયમ માટે યાદગાર રહેશે. જિગ્નેશભાઈ, સાથે સાંજનાં ૫:૪૫થી ૮ વાગ્યા સુધી ભરચક્ક ટ્રાફિકમાં બ્લાઈન્ડ પીપલ એસોસિયેશન અમદાવાદથી વસ્ત્રાપુર લેક વાયા આલ્ફામોલ ડ્રાઈવ કર્યું. વચ્ચે વચ્ચે ટ્રાફિક સિગ્નલ્સ અને પૂરઝડપથી પસાર થતા વાહનોનો સામનો કરવો, રસ્તો ક્રોસ કરવો, અને વાહન ચલાવવાનાં અન્ય નિયમો શીખી. પપ્પા મમ્મી ગાડીમાં પાછળ અને અમે અમારી સવારીમાં.. અદભૂત અનુભવ રહ્યો હતો.

કોઈ સરસ નાનો એવો કથાબીજ, આખી નવલકથાને લખવા પ્રેરીત કરે. એક નજીવો આઈડિયા, જરા સરખી ઈચ્છા વિશાળ ફલક પર પૂર્ણ થઈ જાય છે.

એવું કંઈક મને લાગ્યું, સહિયારા કુટુંબ વચ્ચે એકવાર, સંજય દત્ત અને ઉર્મિલાવાળું પિક્ચર જોતી હતી… “જા, બચ્ચે….જીલે…” એવું કહી નાના બાળકને મોટોરાઈઝ્ડ વ્હિલચેર પર બેસાડે છે આ ગિફ્ટ અમેરિકાથી આવી છે, એવું કંઈ પટ્ટકથામાં છે… આ દ્રશ્ય જોતે, ક્ષણાંર્ધમાં.. “I wish…. મને આવું કંઈક.. જોઈએ..” એવું ઈચ્છ્યું હોય અને ઈશ્વરે કહ્યું, “તથાસ્તુ. અમેરિકા, ચેન્નઈ, મુંબઈ એમ દૂર નહિં અમદાવાદમાં જ મળશે જરા ધીરજ ધર.. કુંજલ..” જિગ્નેશ ભાઈ પાસે બીજાં ૬-૭ મોડેલ છે. પણ મને આ ફાવી. થોડાં કસ્ટમાઈઝ્સ્ડ મોડિફિકેશન કરાવ્યા, ફૂટરેસ્ટ એમણે બનાવી આપ્યું. “જમણાં હાથમાં મોબાઈલ હોય તો જોયસ્ટિક તો ડાબા હાથે જોઈએ હો..” સૌ હસી પડ્યાં. જિગ્નેશ ભાઈ, “થઈ જશે બીજું કહો..” “ગાડીમાંથી જાતે ઉતરાય એવું વિચારવું છે.” મમ્મીની ઈચ્છા મુજબ એ પણ પ્રયન્ત કર્યો. એમાંય ફાવ્યું. અને કુંજલની “રૂકી – રૂકી સી ઝિંદગી ઝટ સે ચલ પડી……..”

સંજય છેલ સાહેબનો ૧૪, ઓક્ટબર જન્મદિવસ. પપ્પાનો ૬૧મો બર્થડે.. અને મારી ફ્રિડમવ્હિલનો દિવસ…ને બ્લોગ પોસ્ટરૂપે વધાવું છું.

૧૪, ઓક્ટોબર, પપ્પાનો જન્મદિવસ. મારે પપ્પા એટલે અસ્તિત્વનો આધારસ્તંભ. અને ૨, ઓક્ટોબર. ગાંધીજી જેવી જ મમ્મી. એ મારે માટે જીવન જીવવાનો મજબૂત પાયો. મા એટલે બાળકનાં શરીરમાં ધસમસતું રક્ત અને પિતા એટલે સંતાનનાં હ્રદયમાં પ્રસરેલી શીરાઓ. મમ્મી એટલે લાગણીઓની સરવાણી પપ્પા એટલે તટસ્થ વિચારોનો સંપૂટ. If a Father is Backbone & a Mother is whole skeleton of their child’s Body.

આ દિવસને યાદગાર બનાવા નાનો એવો વિડિયો યૂટ્યુબ પર મૂક્યો છે. જે અચૂક ક્લિક કરીને જોશો.

એક વર્ષ દરમિયાન, ક્યાંકને ક્યાંક ભટકાઈ, પણ વાગ્યું નથી. ઈશ્વર સહાયક થઈને સાથે ચાલે છે. એવું ચોક્કસથી અનુભવાય છે. હા, ઉપલાંને મોટર કાઢવી થોડી ભારે પડે છે. વજન સામાન્ય વ્હિલચેર કરતાં વધારે છે. પગથિયું ચડાવતાં બીજાં થાકી જાય. એકાદ ટાયર બદલાવ્યું, એકાદવાર બેટર્રીનો છેડો છૂટ્યો, કેટલાક ટોચા જોયસ્ટિકનાં હબને ભટાકાવાથી લાગ્યા છે. સીટ જરા ઢીલી પડતી લાગે છે. હેન્ડલ હલતું થયું છે.. પણ મોજ છે આપણને.. ગોળ ગોળ ૩૬૦* ડિગ્રી હરુંફરું છું.. બધાં વઢે કે તું આમ ફરશ ને ચક્કર અમને આવે છે. તડકો જોવું છું જાગીને અને સુવા પહેલાં તારલાઓની ઠંડક પણ આંગણાંમાં બેસીને માણી લઉં છું. આત્મવિશ્વાસનાં કોડિયામાં આશાનું ઈંજન પૂરાયું છે. વધુ ખાસ શું કહું?

અરેબિયન નાઈટ્ટસનાં જાદુઈ શેતરંજી પર બેઠેલો અલ્લાહદીનથી પોતાને સરખાવતી ફરું છું. આને આત્મવિશ્વાસની એક અભિવ્યક્તિ સમજશોજી…..

  • કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’