માનવીય મૈત્રી મહેરામણ

મનડા સાથે મનમેળથી કરીશું મૈત્રી,
તો, ઓળખશું જગને એની છે ખાત્રી. – કુંજકલરવ

‘અ ફ્રેન્ડ ઈન નિડ; ઈઝ ફ્રેન્ડ ઈન્ડીડ.’ જેવાં ક્વોટ શાળા જીવનમાં એવાં તો ઠસાવવામાં આવ્યા હતાં કે નિશાળની પાટલીએ સાથે બેસેલ સહપાઠીને ફરજિયાત પણે આપણે બહેનપણી કે ભાઈબંધ માનીને તેની સાથે મૈત્રીભાવે સંકળાઈ જઈએ છીએ. પરંતુ આ ‘નિડ’ એટલી વિચિત્ર વિષયવસ્તુ થઈ પડે છે કે મિત્રતામાં સહસા સ્વાર્થી વૃત્તિ ભળી જાય છે એ મોટે થતે ખ્યાલ પણ નથી આવતો. નવી પેઢીને એક યુગ નવો સાંપડ્યો; ઓનલાઈનનો. એમાં મિત્રતા ખૂબ સરળતાથી સાંપડતી થઈ. ફ્રેન્ડસ રિકવેસ્ટ આવે અને અજાણ્યો પણ જિગરજાન થઈ જાય થોડા જ સમયમાં.

friendship

વાતાવરણને ધમરોળી નાખે એવો વરસાદ પડતો હોય, વીજળી ગુલ્લ હોય, કોઈનો ફોન લાગે નહીં. સમાચાર મળે કે સંપર્ક વિહોણો વિસ્તાર થઈ ગયો છે ત્યારે પોતીકું કોઈ સ્વજન બહાર હોય, તો સ્વાભાવિક છે કે ચિંતા થઈ આવે. ફોનમાં સામે છેડે કેસેટ વાગ્યા કરે ‘આઉટ ઓફ રીચ’ કે ‘અનઅવેલેબલ નેટવર્ક’ ત્યારે જીવ તાળવે ચોટી જાય. નંબર લગાવતાં જ “ઈમર્જન્સી કોલ્સ ઓન્લી” એવું ઓટોમેટિક મેસેજ આવે રાખે. અરે! ફોન ન લાગે એ સિવાય બીજી ઈમર્જન્સી શું હોય? દુનિયામાં કોઈ કેટલાંય કાયમ બહાર હોય, મુસાફરી કરતાં હોય, લોકોનાં ફોન સ્વીચ ઓફ હોય પણ જ્યારે પોતાનાં કોઈ કુટુંબીજનની કે મિત્ર સ્વજનની વાત હોય ત્યારે જે વ્યાકુળતા અનુભવાય એ સંબંધ જ અનેરો. આવા સમયે ઈશ્વર સૌને સલામત રાખે એવી પ્રાર્થના કરવી રહી.

મિત્રો હોય કે કુટુંબીજન સંબંધની સરવાણી સંકટનાં સમયે ખરી કસોટી થાય નએ સ્પસ્ટ રીતે જણાઈ આવે કે કોણ કેટલા પાણીમાં છે. વિપત્તીમાં જ્યારે કોઈ વહારે ન આવે ત્યારે અનાયાસે જ “હરિ શરણમ” થઈ જવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે આપણાં સહુનો કઈંક એવો જ સંબંધ છે. એ સ્વજન છે, એજ સખા પણ છે અને આફત સમયે એજ તારણહાર! ચોરીછૂપીથી ચણા ખાધા છે એ જાણીને એમણે એ સમયે કાન્હાએ એમ કહ્યું હોત તો? “આઈ હેઈટ યુ, યુ આર ચિટર….!” પરંતુ શ્રી કૃષ્ણનાં એ પરમ સખાપણાંને આપણે સુદામાજીને મંદિરમાં જઈને પૂજીએ છીએ. દૌપદી અને કૃષ્ણની પણ ફ્રેન્ડશીપ જ હતી ને? એને કેમ સૌ ભૂલી જાય છે? મિત્રતાને ઉંમર નથી નડતી. સ્થળ કે પરિવેશ પણ નથી નડતો. મિત્રતામાં સ્ત્રી – પુરુષનો ભેદ ન જોવાનો હોય. મિત્રતા તો મન મેળની વાત છે. પરિચય હોય તોય મૈત્રી ન હોય અને ક્યાંક અપરિચિત સાથે ય કોઈ મુસાફરીમાં કે કોઈ જગ્યાની મુલાકાતે ઝડપથી મન બંધાઈ જાય સખાપણામાં.

મિત્રતા કેટલી હદે ઔપચારિક છે કે પછી સહજ અને સરળ છે એ આપણે નક્કી કરી લેતાં શીખી જ જવું પડે. ઓફિસનો સહકાર્યકર, શાળા કે કોલેજનો દરેક સહઅધ્યાયી આપણો મિત્ર ન હોય અને જેટલા આપણાં ફેસબુક, વ્હોટસેપ, ટ્વીટર અને ઈન્સટાગ્રામમાં લાઈક કે કોમેન્ટ કરતા હોય એમને મિત્રની શ્રેણીમાં ન જ ગણી લેવા. એવું પણ ન બનવું જોઈએ કે આપણને જે તે વ્યક્તિની ઓળખાણ માત્ર છે પણ આપણે તેને મિત્રતામાં ખપાવી દઈએ. એવું પણ બનતું હોય છે કે આપણી જાણ બહાર કોઈ પોતાનો આપણાં મિત્ર તરીકે સાવ ત્રયાત વ્યક્તિને ઓળખાણ આપતો હોય.

Friendship Life Freedom Hands Love Union

‘મિત્ર એવો દિજીએ, ઢાલ સરીખો હોય.’ આજનાં ફાસ્ટ ટેકનિકલ જમાનાંમાં કોઈ કોઈની ઢાલ બની નથી રહેતું. સૌએ પોતાની રોજિંદી દિનચર્યાથી માંડીને રોજગારીની તક સુધી જાતે જ શોધવાની રહે છે. એવામાં કૌટુંબિકજનો પાસે પણ અપેક્ષા નહિ રાખવાની એવું વલણ વધ્યું છે. સૌને પોતાની સ્વતંત્રતા અને સ્વાત્રંત્ર વહાલું થઈ પડ્યું છે. બની શકે કોઈ અંગત મિત્રની ક્યારેક સલાહ – સુચન ન પણ ગમે. એવું પણ બને કે કોઈ પોતીકું રહ્યસ્ય આપણે કહેવાતા શ્રેષ્ઠ મિત્ર કે સખીને કહ્યું હોય અને જરા સરખી નાની એવી ચર્ચા, મતભેદ કે અવિશ્વાસ થકી સંબંધ વણસે તો બીક રહે કે રખેને એ વાત જહેરમાં છતી ન કરી દે મેં અંગત રાઝદર તરીકે કહી હતી. ક્યારેક એવું પણ બને કે આપણે સામે ચાલીને સાખ્યભાવે સલાહ કે મદદ માંગીએ. એ સમયે યોગ્ય પ્રતિસાદ ન મળે અથવા મદદ માટે લંબાવેલ હાથ ન ઝીલાય ત્યારે વધારે દુઃખ થાય છે. મિત્રતાની સીમારેખા આપણે જાતે જ પસંદ કરી લેવી પડે છે.

adventure-1807524_960_720

ઘણાં સમયબાદ કોઈ મિત્ર મળે ત્યારે સામાન્ય રિએક્શન હોય, “ઓહો, મોટા માણસ થઈ ગયાને કંઈ, યાદ પણ નથી કરતા.” આ બાબતે એવું હોય કે નવરાશ હોય પહેલાં અને પછી કામકાજમાં કે વ્યવસાયિક જવાબદારીઓમાં કે પછી પારિવારીક પળોજણોમાં અટવાયા હોઈએ અને ધીરેધીરે સંપર્ક ઘટે, પ્રાયોરિટી ઓફ રિલેશશિપ બદલાય. સગાઈ કે લગ્ન થાય પછી. નોકરી કે ધંધો મળે પછી. દરેક મિત્ર કે સખી હંમેશા તમે હાકલ પાડો ત્યારે હાથવગો હોય એ પણ જરૂરી નથી.

“શું કરો છો આજકાલ?” “શું નવીન?” વગેરે જેવા પ્રશ્નો ક્યારે કેર, કન્સન હેતુ પૂછાતા હોય તે ઈન્ટરફિયરન્સમાં ફેરવાઈ જાય છે એનો ભેદ પારખવો મુશ્કેલ છે. તમારો ફ્રેન્ડ શું કરે છે? એની લાઈફમાં હાલમાં શું ચાલે છે એની સતત જાણકારી રાખવાની તાલાવેલીમાં ક્યારેક નિસ્વાર્થ સંબંધમાં અણગમાની ગાંઠ આવી જાય. વધુ પડતી મૈત્રીપૂર્ણ નિકટતા પણ સંબંધમાં ઘણીવાર કટૂતા આણી દેતી હોય છે. સહિયારાપણામાં એવો એક સમય પણ આવે જ્યારે એકબીજાને કહેવા જેવું કશું બાકી જ ન રહ્યું હોય અને સંપૂર્ણપણે એકબીજાની અંગત બાબતોની જાણકારી હોય. એવા સમયે એકબીજા પ્રત્યે માન ઘટી જાય તો ક્યારેક ભરોસો ઊઠી પણ જાય.

Family Friendship Old People Together Hands Love

પહેલાંનાં જમાનાની જેમ, કોલિજયન છોકરી ગમે અને એની આસપાસ ચક્કર લગાવીને રોમિયો વેડા થતા. છોકરીનો ભાઈ કે ભાઈબંધ તેને મારવા કે કોલર ઝાલીને સમજાવા પહોંચે. એવું નાટકિય વાતાવરણ હવે ક્યાં રહ્યું? સામે વાળું વ્યક્તિ નથી ગમતું કે મિત્રતાને પાત્ર નથી તો બ્લોક કરી દ્યો. વાત ખતમ. આજની તારીખે મોર્નિંગ વોક કરતે, મુસાફરી દરમિયાન, કોઈ કાર્યક્રમ કે થિયેટરમાં ઓળખાણ થાય જ છે. અને એ ઓળખાણને જાળવી રાખવાનાં ઘણાં માધ્યમો ઉપલ્બ્ધ છે. છતાંય, કોઈ વ્યક્તિને સામેથી મારા મિત્ર બનશો? એવું યુવાન સખા / સહેલીઓને આત્મવિશ્વાસ સાથે બિનદાસ્ત કહેવું અઘરું. કારણ કે માનસિકતા એકવીસમી સદીમાં પણ મુઘલેઆઝમ જેવી જ છે. નો ચેન્જ.

કળયુગ કહેવાતા આ અરસામાં જ્યાં સગા ભાઈભાંડેરાં વચ્ચે પણ ખપ પૂરતો વ્યવહાર હોય ત્યાં સાલસ, નિર્મળ અને નિર્દોષ મૈત્રીની ક્યાં સુધી અપેક્ષા રાખવી. મૈત્રીપણાંમાં ધ્યાન રાખવા જેવું ભયસ્થાન પણ છે. તમને કોઈ ભોળવી તો નથી જતું ને? તમારા સખાપણાનો કોઈ ગેરલાભ તો નથી લેતું ને? તમારી ઓળખાણનો જે તે વ્યક્તિ દુરઉપયોગ તો નથી કરતું ને? તમારો અમુલ્ય સમય જે તમે તામારા સારાવાટ માટે ખર્ચવાનાં હોવ એ બીજાની ગેરવ્યાજબી કહેવાતી એટલે કે સો કોલ્ડ ફ્રેન્ડશીપમાં તો નથી વપરાતી ને?

અગાઉ, પતિ એટલે પરમેશ્વર એવું હવે વલણ નથી રહ્યું. એ તો જાણે પુરાતનકાળની વિચારસરણી બની રહી છે. આજની આધુનિક નારીને દાસત્વ સ્વીકાર્ય નથી. તેને સમજણ ભર્યા મિત્રની શોધ રહે છે. એમા તે જો ખરી ન ઉતરે તો અણબનાવ ઉદ્વભવે છે. સાસુ – વહુ કે મા – દીકરી વચ્ચે પણ સહેલી જેવો સંબંધ ગ્રાહ્ય છે. આજકાલ વિભક્ત નાનું કુટુંબ થતું જાય છે એ જો સમાજને ચિંતા હોય તો સંયુક્ત કુટુંબમાં નિખાલસ મૈત્રી હોય એ ખરેખર પુખ્ત પારિવારીક જીવનશૈલીની દ્રઢ માંગ છે.

HAPPY_FRIENDSHIP_DAY

મિત્રતા એટલે આંધળુંકિયું અનુકરણ કરીને ઢસડાવવું નહિ બલ્કે એકમેકને સહિયારો અને સધિયારો આપીને આગળ ધપવાની વાત હોવી જોઈએ. ખરે સમયે ખડે પગે મદદે ન પણ આવે પરંતુ એનો હકારાત્મક અભિગમ ચોક્કસ માર્ગદર્શક હોય. જરૂરી નથી કે એક જ મિત્ર દર વખતે કામ આવે. કે દરેક સમય – સંજોગોમાં એક જ મિત્ર આપણને સમજે. પરિસ્થિતિ મુજબ વ્યક્તિ ચોક્કસ બદલાય પણ ભરોસો યથાવત હોવો જોઈએ.

ગૂંગળામણ થાય એવી નકારાત્મક ચેતવણીઓ આપીને બીવરાવ્યા કરે એ દોસ્ત શાનો? સમય, સંજોગને માન આપીને યોગ્ય મોકળાશ આપવી એ પણ એક ખરા મિત્ર હોવાની નિશાની છે. મિત્ર એટલે આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવાનું ઉદ્ગ્મ સ્થાન. મિત્ર એટલે રહ્સ્યો અકબંધ રાખવાની તિજોરી. મિત્ર એટલે એકલા ન હોવાનો ધરોબો. મિત્ર એટલે માનવ મહેરામણને માણવાનો મોકો.

કુંજકલબલાટઃ મન સાથે પણ ક્યારેક મિત્રતા બાંધી જુઓ. ચિંતા ન કરો, એકલાં એકલાં વાતો નથી કરવાની. એકલપંથે જગત જીતવાની આ વાત છે.

કુંજલ પ્રદીપ છાયા. ‘કુંજકલરવ’

લાગણીના અનુબંધનો

lagani na anubandhan

લાગણીના સંબંધો હૈયાની વાતના તાંતણે બંધાયેલા હોય છે. એક વ્યક્તિના મનની વાચા બીજી વ્યક્તિ વગર કોઈ સંપર્કસેતુએ પણ સમજી લઈ શકે છે. બની શકે એવા લાગણીના સંબંધોનું કોઈ નામ ન હોય. અથવા તે લોહીના કે કર્મના સંબંધો પણ ન હોય, બની શકે એનું ઉલ્ટું હોય; કોઈ સ્વજન સાથે આટલો નિસ્બત બંધાયો હોય કે તેણે કોઈ વાતને વ્યક્ત કરવા પહેલાં જ સમજાઈ ગઈ હોય. કોઈ સાથે તો એવું ય હોય કે માત્ર એક અમસ્તી ઓળખાણ જ હોય. તોય મનના તાર જોડાયા હોય સાથે લાગણીનું ખેંચાણ સંધાય ગયું હોય. બની શકે એક તરફી લાગણી હોય યા બંને તરફ લાગણીની કબૂલાત હોય. ક્યારેક મૂક સંમતિ હોય કે પછી કબૂલાત બાદની અસ્વીકૃતીની પીડાતી લાગણી હોય!

ખરું કહું તો આ લાગણીઓ તો થકવી દેનારી હોય છે. કોઈ પરાણેય વહાલું લાગે તેવું હોય તો કોઈને જોઈને કે પછી નામ સાંભળીને ધ્રુણાં કે ગુસ્સો ઉપજે. રાજી કોઈને જોઈને પણ થઈ જઈએ. તો કોઈ સાથે કલાકો વીતાવીએ તો પણ મના અંતરથી ખુશી નથી મળી શકતી. બધું જ મન મનના કારણ છે. વ્યક્તિ સાથેના અનુભવો અને સંજોગોના સમીકરણોને આપણે સમજવા જ રહ્યા. એથી વિશેષ આપણે કરી પણ કંઈ ન શકીએ. લાગણીઓના ઘોડાપૂર રોકવા કે લાગણીઓના કૂંપણોને પાંગરવાની ક્યાં કોઈ અક્સીર દવા છે જ. જે છે તે અનુભવે સાંપડેલી જણસ છે. લાગણીઓની સાથે કરેલી મનોમંથાનની મથામણે મેળવેલ નિર્ણયોનું નવનીત મધુરું લાગે છે.લાગણીઓની સાથે કરેલી મનોમંથાનની મથામણે મેળવેલ નિર્ણયોનું નવનીત મધુરું લાગે છે.

360

આપણી લાગણીઓને આપણે જીવનમાં સહજતાથી વણી લઈને જીવનના એક અવિભાજ્ય અંગ તરીકે ગણી લઈને જીવવા લાગીએ છીએ ત્યાં સુધી કોઈ વાંધો આવતો નથી. પરંતુ આ જ લાગણીઓ સ્વેચ્છાએ માથું ઊંચકીને, આળસ મરડીને કે બળવો પોકારીને પોતાનું મહત્વ અને સત્તાને પ્રસ્થાપિત કરવા નીકળે ત્યારે ખરી મુશ્કેલીઓ ઊભી થાય છે. કારણ કે આ લાગણીઓને ક્યારેક બૌધિક તર્ક – વિતર્ક જેવું નથી પણ હોતું. એને તો બસ, એ અને એની લાગણીઓ ધારે એમ કરવા / વર્તવા જોઈતું હોય. દરવખતે લાગણીઓની માગણીઓ પોષવી માણસજાતના હાથમાં નથી હોતું. તેના હાથ અનેક જવાબદારીઓ, સંજોગો અને પૂર્વમાન્યતાઓથી બંધાયેલા હોય છે.

લાગણીઓને ક્યાં ભૂત, ભવિષ્ય કે વર્તમાન જેવું હોય જ છે. તેમ છતાં સમયાંતરે સંજોગો સાથે તે સ્વરૂપ બદલે જરૂર છે, એમાં ના નહીં. લાગણીઓ સમજૂ પણ કેટલી હોય છે કે સ્વજનોની લાગણીઓને પણ જાણી લેતી હોય છે. ક્યારેક લાગણીઓ જીદે પણ ચડે છે હો, જ્યારે તે પ્રેમમાં પડે છે. આજ લાગણીઓ એકલતામાં રડી લેવા મદદરૂપ પણ એટલી જ થાય છે અને તે જ પાછી મિત્રોની ટોળીઓની લાગણીઓ સાથે ભળીને મોજ કરી લેવાય પ્રેરે છે.

2134

લાગણીઓ તો આપણી પોતીકી છે. તેને આપણે જાતે જ સધિયારો પણ આપીએ છીએ અને સહિયારો પણ. એક અનોખી સપોર્ટ સિસ્ટમ છે. જે આપણાં વિચારો, પસંદગી, સમસ્યાઓ અને સંજોગો ઘડે છે. ક્યારેક તેને વ્યક્ત કરવામાં ઊણપ અનુભવીએ છીએ તો કોઈવાર બીજાની લાગણીઓને સમજવામાં પણ થાય ખાઈ જઈએ છીએ. કોઈની લાગણી ઝટ દઈને સ્વીકારી લેવા મન માનતું નથી. તો વળી, કોઈ આપણી લાગણીને નકારે એ ઇચ્છનીય પણ નથી હોતું.

અંતે, લાગણીઓની ઝંઝાળમાં સપડાયેલાં થાકી – હારીને આપણે જ ઘણીવાર ફરિયાદ કરી દેતાં હોઈએ છીએ કે આ લાગણીઓ કેમ નડે છે? લાગણીઓને ક્યાં એનો જવાબ આપતાં આપણે શીખવ્યું છે? આપણે તો બસ લાગણીઓ જીવતાં જ માંડ શીખ્યાં છીએ, ત્યાં તેને ક્યાં આવું શીખવીએ, હેં ને? #કુંજકલરવ ૨૬.૬.૨૦૧૯

“દિવસનો દિવસ”

દિવસનો દિવસ
——————

આળસ ખંખેરતો, રાત વાસાનો જાણે થાક ઉતારતો;
અચકાતો, ખચકાતો, સંકોચતો શરુ થાય છે દિવસ!

સાંભળ્યું, વાંચ્યું, જોયું છે, કચકડે, ઉગમણું-આથમણું,
મોં સૂઝણું તો જોયું ક્યાં; જન્મથી? સીધો ઊગે દિવસ!

હથેળીમાં ‘ઈશ’ ભાળવાની ટેવ પાડી’તી બાએ, ભૂલી;
આંખ ખોલતાં ફ઼ોનની રીંગ સાથે ઝણઝણે છે દિવસ!

સૂર્ય અર્ગ્ય સંસ્કાર ક્યાં સાચવવા? સિમેંન્ટ ઝંગલમાં.
ગંગા-યમુના જળ ધારી એક ડોલ સ્નાન લે છે દિવસ!

વ્યાયામ-પ્રાણાયમ જોઈએ શરીરને નહી કે દિવસને;
ક્ષણ આરામનું નામ નહીં, દોડે, આખો દિવસ, દિવસ!

ઘર હોય કે ઘરની બહાર, અર્થોપાજને પહેલો ન્યાય;
કામ, કામ ’ને કામમાં ખૂપતો, ખૂંચતો, પૂરો થતો  દિવસ!

સૂરજ નમે, ’ને ઊગે રે, ચાંદો. ખાધું, પીધું, મોજ કીધું રે,
થાકીને, ઘરે આવે તે પછી જ, સાંજમાં ઢળે છે દિવસ!

કાલનાં કામ આજ પૂરાં કરી; આજનાં આવતી કાલે-
કરીશ, એ નક્કી કરે છે; દિવસનાં અંતે, થાકેલો દિવસ!

ટીવી. નેટ, મેચ અને મિત્રોની માયાજાળામાં ગૂંથાયેલો-
પરીવારને “ફ઼ેમિલી ટચ” આપવા મથે છે રાતે, દિવસ!

જાગરણ તો રોજનું થયું; નાઈટ લાઈફ઼ની લાઈફ઼ વધી.
બાર પહેલાં થોડું સૂઈ જવાય? જાગતો મહાલે દિવસ.

પોપચાં આંખોનાં બિડાય કાયમી પણે ત્યાં સુધી; હંમેશ,
એ જ લઢણ અવિરત ચાલે, મોડેકથી મોડો સૂવે દિવસ!

દિવસની દિનચર્યા બદલાય જાણે યુગ જીવાય દિવસમાં.
રોજે, દિવસ થાક ઉતારે ઉંઘે, શરુ થાય ફ઼રી નવો દિવસ!
-|{©£@ #કુંજકલરવ

divasno divas

ગુજરાતી પ્રાઈડમાં પ્રકાશિત થતી ‘હું ગુજરાતી’ મેગેઝનમાં ગયા વર્ષે ૬ઠા અંકમાં મહેમાન કવિ તરીકે શ્રી સિધ્ધર્થ છાયા ભાઈનાં સંપાદન હેઠળ મારી આ કવિતા મૂકી હતી અને આ વર્ષે અમારા ભુજના નાગર જ્ઞાતિ જનોમાં ખુબ જ લોકપ્રિય એવું સામાયિક ‘હાટ્કેશજન’ જાન્યુ આરી ઈશ્યુમાં શામેલ થઈ છે.
સાભાર. કુંજલ પ્રદિપ છાયા.