જીવનોન્નયન

વર્ષ ૨૦૧૭ની સૌથી વધુ યાદગાર અને સ્વપ્નીલ ક્ષણ આપ સૌ સમક્ષ વિડિયો અને લેખ સ્વરૂપે મૂકું છું.

સાહિત્ય વિશ્વમાં, વાર્તા લેખનના પ્રદેશમાં ડગમગતી, પા પા પગલી કરતે, પહેલું અડગ ડગ માંડું છું. શાબ્દિક રવે ‘કુંજકલરવ’ કરતી હું, કુંજલ પ્રદીપ છાયા, સ્વપદ્રષ્ટા સમી શબ્દ સાધના કરતી. જેની ફલશ્રુતિ ‘જીવનોન્નયન’ વાર્તાસંગ્રહમાં જીવન સાથે વણાયેલ ઘટનાઓ અને આંતરિક સ્ફુર્ણાથી સર્જાયેલ પ્રસંગોની અનુભૂતિ સહ જીવનશૈલીને ઉર્ધ્વગતિ તરફ લઈ જતી સકારાત્મક ઉર્જાને વાર્તા સ્વરૂપે આલેખવાના મારા પ્રથમ સોપાનનું વિમોચન અવસર તારીખઃ ૦૮.૧૦.૨૦૧૭ના રોજ સ્ટોરીમિરર દ્વારા આયોજિત કરેલ છે. મારી આ ધન્ય ક્ષણના સાક્ષી આ વિડિયો. #કુંજકલરવ

Jivanonnayan

પ્રથમ વાર્તા સંગ્રહ જીવનોન્નયનની કેટલીક એવી વાતો જે શાબ્દિક રૂપે પુસ્તકમાં ન કહેવાઈ હોય, એ અહીં બ્લોગમાં લખી મૂકું છું.

જીવનોન્નયન – પ્રથમ સોપાન

“આઈ ડોન્ટ લાઇક ટૂ હોલ્ડ બુક્સ ઇન માય લિટ્લ હેન્ડ્સ…!” ૨૦૦૭ દરમિયાન ઓરકુટ પર આવું પ્રથમ ક્વોટ મૂકનાર આજે પોતાનું પ્રથમ પુસ્તક પ્રકાશિત કરવા જઈ રહી છે અને એ પણ સૌથી વધુ ખેડાતો સાહિત્ય પ્રકાર ‘ટૂંકીવાર્તા’ને સંગ્રહસ્થ કરી રહી છે. એવું તે શું બન્યું આ એક દાયકામાં? તો મારો, જવાબ છે, “ઈશ્વર ઇચ્છા.”

હું, કુંજલ, વર્ષા અને પ્રદીપ છાયાની દીકરી. ઈશ્વરે મને સાવ સામાન્ય જીવન જીવવાની તKunjal Mummy Papaક આપી જ નથી! જન્મજાત બરડ હાડકાંની આનુષાંગિક તૃટિ સાથે જીવનનાં ત્રણ દાયકાની સફર જરા પણ સહેલી રહી નથી. મારી ‘જીવની’ ભરતી અને ઓટ સમા અનેક ઉછાળા મારતા પ્રસંગો અને ઘટનાઓથી સભર છે. પપ્પાના શબ્દોમાં લખું તો આપણી જાત અલગ, ભાત અલગ, વાત અલગ એવી આગવી વિચારસરણીથી મારું ધડતર કરીને સર્વાંગ સક્ષમ કરવાનાં દરેક પ્રયત્નો કર્યા.

શાળાજીવન સુધી ઈત્તરવાંચન ભાગ્યે જ કરી શકતી. એમાં શારીરિક નાદુરસ્તી અને સારવાર, ઓપરેશન કરાવવાનો સમય હતો તે. હું લોકોથી કંઈક જુદી છું એવું માનસીક વલણ પણ કારગર હતું. શારીરિક ઊણપની અસર મારા પરિવારે ક્યારે ઉછેરમાં છતી થવા દીધી નથી. પથારીવશ જીવનને બદલે અસામાન્ય પરિસ્થિતિમાં પણ સામાન્ય બાળકની રીતે જ ભણતર પૂર્ણ કર્યું. સ્કુલમાં પણ દરેક ઈત્તર પ્રવૃત્તિમાં ભાગ લેવો અને એમાં પણ નંબર તો આવે જ! ચીલાચાલુ રીતે કોલેજ નહીં, જેમાં રસ હતો એવો ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કર્યો.

સંગીત, ચિત્રો દોરવાં, ગાવું, બોલવું, વાંચવું, ટી.વી જોવું એવી શોખની બાબતોને લઈને જ કંઈ આગળ કાર્ય કરીશ અને એ પણ મારી શારીરિક મર્યાદામાં ઘરે જ રહીને, એવું નક્કી કર્યું. શેરબજાર; આર્થિક ઉપાજનની સંસ્થાઓ કે બેંકની પરીક્ષા આપવી એવા નંબરોની ગણતરીવાળા કોઈ ઉદાસીન કાર્યો નથી કરવા એવું વિચારતી; હોબી – આર્ટ ક્લાસીસ કરાવ્યા. ગુજરાતનાં લગભગ દરેક ખૂણે પપ્પાની બદલી થતે સ્થળાંતર થતું અને ત્યાં બાળકો અને બહેનોને ભણાવતી, કળાઓ શીખવતી થઈ.

છેલ્લા દોઢ દાયકાથી ઓનલાઈન દુનિયામાં સહેલ કરું છું. ઈન્ટટરનેટ જગતમાં ઘેર બેઠાં મારી કલ્પનાશક્તિ અને સર્જનાત્મક વલણને વધુ ઓપ મળ્યો છે. ૨૦૦૨, ધરતીકંપ બાદ, ઘરેથી જ કોમ્યુટર કોર્ષ કર્યો. યાહુ, જીમેલ, ઓરકુટ સાથે રાચતી થઈ, વર્ષ ૨૦૧૨માં પોતાની જ ફેશન હેન્ડીક્રાફ્ટ સાઈટ પણ શરૂ કરી પરંતુ યોગ્ય માવજત ન લઈ શકવાને લીધે એ સ્વપ્નને સભાનતા પૂર્વક સંકેલી લીધું. આ દરમિયાન ૨૦૦૮માં ઓરકુટ દ્વારા જ ‘ગુજરાતી હાસ્યલેખન’ પરિવારનો પરિચય થયો. લિટલ એંજલનો પ્રોફાઈલ ફોટો એક વિષય ચર્ચામાંથી બદલાયો અને પૂર્ણ સ્વરૂપે સાચી કુંજલ પોતાની ખરી ઓળખ બતાવતી થઈ. એ સમયે જ જી.એચ.એલ. ગૃપનાં વડીલે મને શ્રી મહેન્દ્ર મેઘાણી સાહેબના સંકલિત ગ્રંથ ‘અડધી સદીની વાંચનયાત્રા’નાં દળચાર ચાર પુસ્તકો ભાગ ભેટ મોકલ્યાં. આ વાર્તાસંગ્રહ ‘જીવનોન્નયન’નું શીર્ષક, તેનાં ભાગ – ૨ની પ્રસ્તાવના પાના નં. ૬માંથી પ્રેરણાસ્ત્રોત્ર સ્વરૂપ લીધેલ છે. ખરેખર, કોઈના જીવનમાં ઉન્નયન ક્યારે, કઈ ઘડીએ થાય છે, એ તુરંત ખ્યાલ નથી આવતો. એ તો અચાનક જ પ્રતીત થાય છે.

હવે એક તબક્કો, એવો આવ્યો કે આવડે એવી કવિતાઓ અને વાર્તાઓ લખતી થઈ. મનનાં વિચાર વિહારને શાબ્દિક ન્યાય આપવા પ્રયત્નશીલ થઈ. એ સૌ મિત્રો, સખીઓ, પરિવારમાંથી ગુજરાતી ટાઈપિંગ અને ભગવદ્ગૌમંડળ શું હોય, કેમ ડાઉનલોડ થાય વગેરે શીખી, કવિતા, ગઝલ, ગીત શું હોય એ ભાવક બનીને વાંચતી થઈ…

સૌની સાથે શાબ્દિક સંપર્કમાં આવીને હુંય ક્યારે શબ્દ સાધના કરવા લાગી ખ્યાલ જ ન આવ્યો. જીવનમાં ગણેશજી આવીને બેસી ગયા અને જાણે મને કેટલીય વાર્તાઓ કાનમાં કહેતા ગયા. વાર્તાઓને મેં કલમ વડે નથી લખી. લેપટોપને સહારે, કી બોર્ડને ટપારીને આંગળીઓને ટેરવે આ વાર્તાઓ કાલ્પનીક સ્વરૂપે પાંગરતી ગઈ. શ્રુતિ ફોન્ટસ તો હવે મારા પોતાનાં જ અક્ષરો હોય એવાં આત્મિય બની ગયાં છે !

JVji & Kunj૧૧.૧૧.૧૧ના રોજ મમતા મેગેઝીન નવું શરૂ થઈ રહ્યું છે, વાર્તાકાર મધુરાયનું સંપાદન છે વગેરે કોઈ પોસ્ટ એ સમયે, પ્રિય લેખક શ્રી જય વસાવડા સાહેબની ઓરકુટ કોમ્યુનિટિમાં કે ફેસબુક વોલ પર ભાવકની જેમ નિરિક્ષણ કરતી એમનાં બ્લોગ ‘પ્લેનેટ્જેવી’ પર જોઈ અને પ્રથમ વાર્તા સત્તાવાર રીતે ત્યાં મોકલી. એ ક્ષણ જાણે માર્ગસૂચક સ્તંભ બની રહી.

Kunjal & madhuray sirએ પ્રથમ અનુભવે જ મને વાર્તાકાર હોવાનું પ્રોત્સહન મળ્યું. વધુને વધુ આ પથ પર જવા પ્રેરાઈ, હું મમ્મી અને પપ્પા ત્રણેય વાર્તાશિબિરોમાં જતાં થયાં. વાર્તાતત્વ સમજવું, કથન શૈલી અને પરિવેશ, ભાષા મઠારવી એ શીખતી ગઈ. સુભગ સંયોગે ગત વર્ષ ગુજરાત સાહિત્ય અકાડમી દ્વારા આયોજિત વાર્તાશિબિર, જેમાં અધ્યક્ષ સ્થાને મધુભાઈ હતા, રૂપાયતન જુનાગઢનાં પ્રાકૃતિક પરિસરમાં આ પુસ્તકને ઓપ આપવા હેતુ માહિતી મળી. અને ત્યારબાદ વિવેકગ્રામ માંડવી કચ્છમાં વાર્તાશિબિરનો લાભ લીધો. જેમાં કચ્છનાં પ્રખર વાર્તાકાર શ્રી માવજીભાઈ તજજ્ઞ રૂપે હતા. એ સમયે વી.આર.ટી.આઈ. માંડવીના શ્રી ગોરધનભાઈ પટેલ ‘કવિ’, ભુજના વરિષ્ઠ લેખક વડીલ શ્રી હરેશભાઈ ધોળકિયા અને સુશ્રી દર્શનાબેન ધોળકિયાની પણ વહાલપ ભરી શુભેચ્છાઓ સાંપડી.

ઓનલાઈન કેટલીક સાઇટ્સમાં વાર્તાઓ પ્રકાશિત કરવા મોકલવી અને એને ફેસબુક, વ્હોટસેપ પર શેર કરતાં, ત્રણ વિશ્વવિક્રમ પરિપત્રો મેળવેલ એવી ‘કથાકડી’, ‘સ્ત્રીઆર્થ’, માઈક્રોફ્રિક્શન ‘સર્જન’, જેવા સહિયારા પ્રયોગશાળા સમા વાર્તાશૈલીનાં વૃંદમાં પણ સામેલ થઈ અને અન્ય પ્રતિયોગિતાઓમાં ભાગ લેતી થઈ. રીડગુજરાતી, સબરસગુજરાતી, પ્રતિલિપિ, ગુજરાતી પ્રાઈડ જેવી સાઇટ એપમાં સક્રિય થઈ. માતૃભારતી એપમાં સખી સમૂહ સાથે ‘હેલ્લો સખીરી’

IMG_20160529_175851

નામે ઇ સામાયિક શરૂ કર્યું. જેના વીસેક અંક સંપાદિત કર્યાનો લહાવો લીધો. વર્ષ ૨૦૧૭ની શરૂઆતમાં જ નેશનલ બુક ટ્રષ્ટ, દિલ્હી દ્વારા ‘નવલેખન’ વાર્તાસંગ્રહ, જેમાં ગુજરાતી ભાષાની ચાલીસ વર્ષથી નીચેની નવોદિત લેખિકાઓની વાર્તાઓમાં મારી એક વાર્તા પસંદ કરાઈ.

આ વર્ષે બે પારિતોષિક પણ એનાયત થયાં, અમદાવાદ ખાતે, સ્વયંસિદ્ધા ફાઉન્ડેશન દ્વારા ૧૨ જાન્યુઆરીના ડોટર્સ ઓફ ગુજરાત એવોર્ડ અને તારીખ ૯ જુલાઈ, ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ભગવતી ધામ મંદિર, ભુજ કચ્છ દ્વારા ગુરુગૌરવ એવોર્ડ મળ્યો.

હાલમાં, સ્ટોરીમિરર વેબ પોર્ટલ પર ગુજરાતી ભાષા સંપાદક તરીકે કાર્યરત છું. આ સ્વયં પ્રકાશિત વાર્તાસંગ્રહને મુદ્રિત કરવા હેતુ વિચાર અને અમલની

તજવીજ સમયે મને સૌએ ખૂબ પ્રોત્સાહિત કરી એ બદલ સમગ્ર સ્ટોરીમિરર સંસ્થાની ખૂબ આભરી છું.

આ બધું જ એક સફર રહી, જેની પ્રથમ મંઝિલ રૂપે મારો પ્રથમ વાર્તા સંગ્રહ સૌ વાચકો સમક્ષ મૂકતાં ભાવાત્મક ન થતાં ઉર્જા સભર લાગણી અનુભવું છું. કંઈક નક્કર પગલું ભર્યાનો આનંદ વ્યક્ત કરું છું.

આ વાર્તાસંગ્રહમાં સમસ્ત ‘મમતા વાર્તા સામાયિક’ પરિવાર સહિત મને અઢળક લાડ આપ્યો છે એવા પ્રિય વડીલ, જીવંત દંતકથા સમાન વાર્તાકાર મધુરાય સાહેબના માર્મિક અને ‘મમતા’ સભર આશિષ મળ્યા અને જય વસાવડા સાહેબના સ્નેહાળ વચન થકી ખૂબ જ ખુશ થઈ છું. ખરેખર, એક દિવાસ્વપ્ન સમી મારી મીઠી જીદ્દ હતી કે મારા પ્રથમ પુસ્તકમાં એ બંનેના હસ્તાક્ષર હોય ! જે આ પુસ્તક પ્રકાશિત કરવાની તજવીજમાં ઉત્સાહ વર્ધક બન્યું. જેમની પાસેથી વાર્તાલેખનની છણાવટ શીખવાની તક મળતી રહે છે એવા કચ્છના પ્રખર વાર્તાકાર શ્રી માવજી મહેશ્વરી સાહેબનો પણ શુભેચ્છા સંદેશ મળ્યો છે.

આ સફર દરમિયાન, ગત વર્ષ પૂજ્ય મોરારીબાપુના પાવનધામ મહુવામાં યોજાતા સાહિત્ય ઉત્સવ અસ્મિતાપર્વ માણવા જવાનો પણ લાભ લીધો, જ્યાં ગુજરાતનાં પ્રખર ચિત્રકાર શ્રી અશોક ખાંટ સાહેબનું ચિત્ર પ્રદર્શન હતું જેમાં એક મને ખૂબ ગમ્યું અને મેં કહ્યું, “ભવિષ્યમાં જો હું પુસ્તક કરું તો આ ચિત્ર મને મુખ્પૃષ્ઠ રૂપે આપશો?” ચિત્રોની બારીકાઈ અને અન્ય કલાની વાતો સમજાવતે એમણે હામીભરી. અને લગભગ દોઢ વર્ષે મેં ફરી સંપર્ક કર્યો ત્યારે એમને યાદ હતું કે મેં કયા ચિત્રની વાત કરી હતી. નીલા આકાશમાં રંગીન ફુગ્ગાઓ ઉર્ધ્વગતિ કરી રહ્યા હોય અને પીઠ પર પંખ પ્રસારીને સન્નારીઓ હિંચકતી હોય… આહ! એજ મારે મન જીવનોન્નયન… એ મુખપૃષ્ઠ પર જે લખાણ અંક્તિ છે એ પંક્તિ હિન્દી ભાષાનાં કવયિત્રી સુશ્રી રેનુ ગુપ્તાની છે. Kunjal Jivanonnayan

આંતરિક સ્ફુર્ણાથી લખાયેલ ૨૧ વાર્તાઓ આ પુસ્તકનું હાર્દ છે, મૂળ તત્વ, સત્વ અને મહત્વ એનું છે. જેને પરમ સખા અને યુવાવાર્તાકાર તરીકે પુરસ્કૃત થયેલ પ્રધ્યાપક શ્રી રાજેશ વણકરે પ્રાસ્તાવિક આવકારી છે. ઘટનાની ક્ષણને ઝીલીને વાર્તાને કેમ ઘડવી એ કસબ સમજવું એ વાર્તાકારનું કર્મ છે, એવું આ મિત્ર કહે ત્યારે શેર લોહી ચડી જતું અને એમણે જ જ્યારે વાર્તાનું માર્મિક નિરૂપણ લખી મોકલ્યું ત્યારે ઊંડો સંતોષ થયો કે હા, મેં જે દિશાએ પગલું માંડ્યું છે એ યોગ્ય છે.

આ સફરમાં અનેક મિત્રો, સખીઓ અને નામીઅનામી વ્યક્તિઓ સાથે નિસ્બત થયો. પોતીકાં, લાગતાં સૌ ગુણીજનોની સાથે જરૂર કોઈ ૠણાનુંબંધ ચોક્કસ હશે. એવું માનું છું.

kc speech 8octમારા માટે લેખન એ શાબ્દિક અનુષ્ઠાન સમું છે, જાણે એ કેટલીક બીનાઓ જે આપણી આસપાસ ઘટી હોય કે મનમાં જ સ્ફૂરી હોય એનું વાર્તા નિરૂપણ કરી લખાયેલા પાત્રોનું તર્પણ કરું છું. એવું જરુરી નથી હોતું કે બધી લખાયેલી વાર્તાઓ સત્યઘટનાઓને આધીન હોય કે પછી એમાંથી કંઈક ગૂઢ બોધ મળતો હોય. એક વાર્તાકાર પોતે કંઈ પ્રખર જ્યોતિષ નથી હોતો કે સંજય સમી દિવ્યદ્રષ્ટિ પણ નથી હોતી કે એને બનતી ઘટનાઓને અક્ષરશ કસબીની જેમ કંડારવાની લબ્ધિ હોય. એક અચ્છો વાર્તાકાર એની બૌધિક સમજણથી અને કલ્પનાઓનાં અસ્ત્રોથી વાર્તાને સારો ઓપ આપી શકે. વાર્તાકાર તરીકે કહો કે એક કળા રસિકડી કુંજલ, એનું કામ એનું ‘ફિતુર’ છે, એના આ પુસ્તકમાં જાણે કે એનો જીવ છે. આ ક્ષણે જો ઈશ્વર કહે કે માગ, તારે શું જોઈએ? તો હું કહીશ, “મારું આ પ્રથમ પુસ્તક પ્રકાશનનું કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થાઓ…!”

કેટલીક વાર્તાઓ ક્યાંક ઓનલાઈન તો ક્યાંક સામયિક કે પૂર્તિમાં પ્રગટ છે, તો કેટલીક અપ્રગટ છે. પ્રથમ વાર્તા મમતામાં પહેલીવાર પ્રકાશિત થયેલ વાર્તા છે, બીજી વાર્તા પ્રથમ લખેલ વાર્તા છે, જેમાં એક વાક્ય છે; ‘ડો. અંજલિએ લેપટોપ પર ચશ્માં મૂક્યાં’ એ વાક્ય પછી મારું પહેલું લેપટોપ બગડ્યું અને ૨૦૧૧માં લીધેલ આ લેપટોપ સાક્ષી છે મારી આ સફરનું…

આ ભાવુક ક્ષણનાં સાક્ષી અને મારા અસ્તિત્વના આધાર એવા મમ્મી-પપ્પા અને કુટુંબીજનોના સાનિધ્ય સહ સાભાર અર્પણ, પ્રથમ વાર્તા સંગ્રહ ‘જીવનોન્નયન’.

કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

પુસ્તકઃ જીવનોન્નયન, પાનાઃ ૧૬૦ કિંમતઃ રૂ. ૧૮૦
જેને આપ એમેઝોન પરથી મંગાવી શકશોઃ Jivanonnayan Amazon