વર્ષાંતે પત્ર કેલેન્ડરને

સરનામું : દિવાલ પર જડેલ ખીટીએ લટકતું તારીખિયું.

પ્રિય,
સતત સાથ નિભાવતું વાર્ષિક વર્ષ.

patra

કેમ છે દોસ્ત? શું નવા – જૂની? અરે, હુંય શું પૂછું છું. તું તો પોતેજ જૂના થઈ જવાની અને નવા સ્વરૂપે હાજર થવાની ફિરાતમાં છે. તો તે તૈયારી કરી જ લીધીને રુક્સદ થવાની? તું વળી કહીશ કે એમાં તૈયારી શું હોય જવાનો સમય આવશે એટલે નીકળી પડીશ. હેં ને?

બસ,

સાવ આવું? અમ જ જતો રહીશ તું? જરા પાછો વળીને જોવાનું પણ તને મન ન થાય તને?
હું ઘડીક વીચારું છું કે તારા સાથે કેવો સારો નરસો – સમય ગાળ્યો. કેટલીય ખાટી, મીઠી, કડવી યાદો; પૂરાં અધૂરાં સ્વપનાઓનો માળો, મારા મનઃપટ્ટ પર આ ઘડીએ તરવરે છે. તને આવું કશું જ નથી થતું?
મને ખબર છે, તું જઈશ તો ક્યારેય પાછો નથી આવવાનો. અને એ પણ ખબર જ હતી કે તું આવ્યો હતો ત્યારે જ કે તું તારા નિશ્નિત સમયે જવાનો જ છો. છતાંય, મારા મનમાં આવું કેમ થાય છે? બધું સૂનું કેમ લાગે છે? કેમ ખાલીપો વર્તાય છે? મને નથી સમજાતું, તને ખબર હોય તો કહેને યાર!

કેલેન્ડરમાં સમાઈને સમયાંત્તરે બદલાવવું તારી નિયતિ છે. ફિતરત છે તારી. તને ક્યાં કશો ફરક પડે જ છે. તું તો સાવ કેવો છો? લોકો તારા જવાનો જશન મનાવે છે! ખાણી – પીણી સાથે સંગીતની રેલમછેલમાં તરબોળ થઈને તારા બદલાવવાની અણીની ઘડીએ ઊંધી ગણતરી માંડીને સહુ તને વિદાય આપે છે. તને ક્યારેય દુઃખ થાય, ખરું? બોલને યાર, આટલો મહાન હશે કોઈ બીજો તારા સિવાય?

તારામાં વણાયેલી તારીખો અને સમયની ક્ષણો પર લોકો પોતાનું જીવન આયોજીત કરે છે. તું તારું મહત્વ ઓછું ન આંકતો. ગમે તે દેશ પ્રદેશનો હોય, તારું સ્થાન તો મોખરે જ!

નિશાળનાં પાટિયાંનાં પહેલા ખૂણે તને સ્થાન મળે અને બાળકનાં ગૃહકાર્યને અંતે શિક્ષકની સહી સાથે તારી તારીખ સહ નોંધ લેવાય. દિવસની દિનચર્યા લખવાની ઘણાંને ટેવ હોય છે. એવી રોજનિશિઓમાં તારું અમૂલું મહત્વ હોય છે. મોટાંમાં મોટી સફળ વ્યક્તિઓ, વ્યવસાયિક અને વ્યવહારિક કામગીરીઓ તનેજ અનુસરીને પોતાનું જીવન ગોઠવે છે. અને એક સૌથી મહત્વની મજાની વાત કરું? જીવનનાં અસ્તિત્વનાં પાયા સમો જન્મદિવસ કે લગ્ન, સગપણ જેવી કેટલીય વાર્ષિક વર્ષગાંઠ પણ તને ઉલ્લેખીને ઉજવાય છે. બોલ તને ખબર હતી આ બધી? નહિ જ હોય ને? મારા સિવાય તને કહે પણ કોણ?

તને ખ્યાલ છે, તારા જૂનાંખખ થઈ ગયેલ સરનામાં એટલે કે તારીખિયાંઓનાં બંબૂડાંઓ પસ્તીમાં સાવ નજીવા મૂલે વહેંચાઈ જાય છે. તો ક્યારેક કોઈ સુંદર મુખપૃષ્ટવાળું કેલેન્ડર હોય તો વિદ્યાર્થીઓની ચોપડીઓનું આવરણ બનીને સચવાઈ રહે છે. તારા મોટાં કદનાં સરનામાથી માંડીને ટચૂકડા ખિસસામાં મૂકી રખાય એટલું નાનું સ્વરૂપ પણ બને છે. અરે! મોબાઈલ ફોન અને લેપટોપ – કોમ્પ્યુટરનાં સ્ક્રીન ઉપર તો પહેલી જગ્યા તારા માટે આરક્ષિત રહે છે.

તારા જૂના થવાનાં દિવસો જેમ જેમ નજીક આવે અને અખબારો, સામાયિકો અને ટી.વી સમાચારોમાં તારા કાળક્રમ દરમિયાન બનતી ઘટનાઓનાં લેખાં – જોખાં થાય. સરવૈયું કઢાય કે તું કેટલી હદે લાભકારી રહ્યો અને તારી અવધિ દરમિયાન કેવું નુકસાન નિપજ્યું! અરે, ભગવાન, મને તો એ સમયે દુઃખ લાગવા લાગે કે લોકો તને માણવાને બદલે આંકડાકીય અહેવાલો મૂકે. તારું અવમૂલન કરવાવાળા અમે કોણ? વળી, કોણ આ સમયગાળામાં સફળ રહ્યું, કોને નિષ્ફળતા સાંપડી અને એવા કેટલીય યાદીઓ બને. કરૂણ ઘટનાઓનાં પાનાંઓ ખોલે અને ખુશહાલી ભર્યા પ્રસંગોની પ્રસંશાઓ થાય.

વર્ષાંતે વિશ્વવ્યાપિ સૌ કોઈ નજરો ટાંપીને ઘડિયાળનાં બે કાંટાં મદ્યરાતે એકમેકમાં પરોવાય અને તારા એક રૂપની વિદાય થાય અને નવતરને નવાઝાય. લોકો સહર્ષ વધાવે તારા રૂપકડા નવા અવતારને અને જો રખેને એમનો એ સમય ખરાબ વિતે તો ઠપકોય તને જ આપે. સતત સમયાંતરે તારે નવલરૂપ ધારણ કરીને માનવીય માનસને એક આશ્વાસન પૂરું પાડ્યા કરવાનું કે અમનાં જીવનમાં નવતર સંજોગો આવશે. સારી આશા જગાડે રાખવાનો જાણે કે તે ઠેકો લીધો.

શું આ રિવાજ તને ગમે છે?

શૈશવ અવસ્થા હોય કે શાળા જીવન કે કોલેજનો કાળ; કૌટુંબિક પ્રસંગો હોય કે સામાજીક કે રાજનૈતિક ઘટનાઓ હોય, તારી હજરીમાં જ તો બધા બનાવો બને છે. તું જ તો સાક્ષી ભાવે બધું જ જુએ છે અને પ્રવાહિત પણે પ્રગતિશીલ બની આગળ ધપે છે.

ખરું કહું તો મને તારી આ રીત ગમે છે. તું કેટલો સરળ અને તરલ છો; સહુ નાહક તને જટિલ બનાવે છે એવું મને માંહ્લાંમાં ભાસ્યા કરે છે. તું, પાણી અને રેતી મૂઠીમાં બાંધ્યો ક્યાં બંધાય? અને તને રોકાય પણ શા માટે. તું ભૂતકાળ થઈને સ્મૃતિ સ્વરૂપે અને ભવિષ્યમય શમણાંઓનાં રૂપમાં પંકાય છે. ત્યારે મને તો તને હાલનાં જ તબ્બકે એટલે વર્તમાનમાં જે કોઈ સંજોગોમાં હોય એજ રીતે ગમે છે. અને સૌએ પણ તારો એજ રીતે સ્વીકાર કરવો જોઈએ એવું મને લાગે છે. તું વળતારા જવાબમાં પરબિડિયું મોકલીશ ખરો? તું શું માને છે કહી શકીશ?

ઓહો! તું ક્યાં જબાવતલબ કરવાનો. તું તો ફક્ત એક વર્ષ જ છો. દર વર્ષે નવો અને દર વર્ષે જૂનો થાય એજ છો ને?

ચાલ, પત્ર આટોપવા સાથે તને મારી લખેલ પંક્તિ વંચાવું છું. તારી હંમેશની પરિસ્થિતિ અને મનોવ્યથા આમાં આબેહૂબ કેદ કરવાની મેં કોશિશ કરી છેઃ

31Dec kunjkalrav

એક નવો સુરજ ઉગવાને આતુર;
ને અંતિમ ચાંદની આથમવા મથતી.
એક નવો પ્રભાત પ્રારંભને આતુર;
ને નર્યા શમણાં પાપણમાં સજાવતી.

  • કુંજકલરવ

ચાલ, હવે જા.. હુંય શું તને રોકી બેઠી છું.. તું ક્યાં રોકાવાનો છો..

તને એમ પણ નહીં કહી શકું ફરી મળીયે… તું જાઈશ પણ જ્યારે ભૂતકાળની દીવાલોનાં ઝાળાં ખંરેરવાની ઈચ્છા થશે તો ત્યારે તને પણ કદાચ યાદ કરી જ. તને જાકારો તો નહીં જ આપું પરંતુ તારા આવનાર નવા અવતારને ચોક્કસ ઉમળકા ભેર આવકારીને સ્વાગત કરીશ જ… હેપ્પી ન્યુ યર કહીને.

લિખિતંગઃ સમયની સરવાણી સાથે સતત સધિયારો સાધતી સહેલી.

  • કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’
    kunjkalrav@gmail.com

જીવનોન્નયન

વર્ષ ૨૦૧૭ની સૌથી વધુ યાદગાર અને સ્વપ્નીલ ક્ષણ આપ સૌ સમક્ષ વિડિયો અને લેખ સ્વરૂપે મૂકું છું.

સાહિત્ય વિશ્વમાં, વાર્તા લેખનના પ્રદેશમાં ડગમગતી, પા પા પગલી કરતે, પહેલું અડગ ડગ માંડું છું. શાબ્દિક રવે ‘કુંજકલરવ’ કરતી હું, કુંજલ પ્રદીપ છાયા, સ્વપદ્રષ્ટા સમી શબ્દ સાધના કરતી. જેની ફલશ્રુતિ ‘જીવનોન્નયન’ વાર્તાસંગ્રહમાં જીવન સાથે વણાયેલ ઘટનાઓ અને આંતરિક સ્ફુર્ણાથી સર્જાયેલ પ્રસંગોની અનુભૂતિ સહ જીવનશૈલીને ઉર્ધ્વગતિ તરફ લઈ જતી સકારાત્મક ઉર્જાને વાર્તા સ્વરૂપે આલેખવાના મારા પ્રથમ સોપાનનું વિમોચન અવસર તારીખઃ ૦૮.૧૦.૨૦૧૭ના રોજ સ્ટોરીમિરર દ્વારા આયોજિત કરેલ છે. મારી આ ધન્ય ક્ષણના સાક્ષી આ વિડિયો. #કુંજકલરવ

Jivanonnayan

પ્રથમ વાર્તા સંગ્રહ જીવનોન્નયનની કેટલીક એવી વાતો જે શાબ્દિક રૂપે પુસ્તકમાં ન કહેવાઈ હોય, એ અહીં બ્લોગમાં લખી મૂકું છું.

જીવનોન્નયન – પ્રથમ સોપાન

“આઈ ડોન્ટ લાઇક ટૂ હોલ્ડ બુક્સ ઇન માય લિટ્લ હેન્ડ્સ…!” ૨૦૦૭ દરમિયાન ઓરકુટ પર આવું પ્રથમ ક્વોટ મૂકનાર આજે પોતાનું પ્રથમ પુસ્તક પ્રકાશિત કરવા જઈ રહી છે અને એ પણ સૌથી વધુ ખેડાતો સાહિત્ય પ્રકાર ‘ટૂંકીવાર્તા’ને સંગ્રહસ્થ કરી રહી છે. એવું તે શું બન્યું આ એક દાયકામાં? તો મારો, જવાબ છે, “ઈશ્વર ઇચ્છા.”

હું, કુંજલ, વર્ષા અને પ્રદીપ છાયાની દીકરી. ઈશ્વરે મને સાવ સામાન્ય જીવન જીવવાની તKunjal Mummy Papaક આપી જ નથી! જન્મજાત બરડ હાડકાંની આનુષાંગિક તૃટિ સાથે જીવનનાં ત્રણ દાયકાની સફર જરા પણ સહેલી રહી નથી. મારી ‘જીવની’ ભરતી અને ઓટ સમા અનેક ઉછાળા મારતા પ્રસંગો અને ઘટનાઓથી સભર છે. પપ્પાના શબ્દોમાં લખું તો આપણી જાત અલગ, ભાત અલગ, વાત અલગ એવી આગવી વિચારસરણીથી મારું ધડતર કરીને સર્વાંગ સક્ષમ કરવાનાં દરેક પ્રયત્નો કર્યા.

શાળાજીવન સુધી ઈત્તરવાંચન ભાગ્યે જ કરી શકતી. એમાં શારીરિક નાદુરસ્તી અને સારવાર, ઓપરેશન કરાવવાનો સમય હતો તે. હું લોકોથી કંઈક જુદી છું એવું માનસીક વલણ પણ કારગર હતું. શારીરિક ઊણપની અસર મારા પરિવારે ક્યારે ઉછેરમાં છતી થવા દીધી નથી. પથારીવશ જીવનને બદલે અસામાન્ય પરિસ્થિતિમાં પણ સામાન્ય બાળકની રીતે જ ભણતર પૂર્ણ કર્યું. સ્કુલમાં પણ દરેક ઈત્તર પ્રવૃત્તિમાં ભાગ લેવો અને એમાં પણ નંબર તો આવે જ! ચીલાચાલુ રીતે કોલેજ નહીં, જેમાં રસ હતો એવો ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કર્યો.

સંગીત, ચિત્રો દોરવાં, ગાવું, બોલવું, વાંચવું, ટી.વી જોવું એવી શોખની બાબતોને લઈને જ કંઈ આગળ કાર્ય કરીશ અને એ પણ મારી શારીરિક મર્યાદામાં ઘરે જ રહીને, એવું નક્કી કર્યું. શેરબજાર; આર્થિક ઉપાજનની સંસ્થાઓ કે બેંકની પરીક્ષા આપવી એવા નંબરોની ગણતરીવાળા કોઈ ઉદાસીન કાર્યો નથી કરવા એવું વિચારતી; હોબી – આર્ટ ક્લાસીસ કરાવ્યા. ગુજરાતનાં લગભગ દરેક ખૂણે પપ્પાની બદલી થતે સ્થળાંતર થતું અને ત્યાં બાળકો અને બહેનોને ભણાવતી, કળાઓ શીખવતી થઈ.

છેલ્લા દોઢ દાયકાથી ઓનલાઈન દુનિયામાં સહેલ કરું છું. ઈન્ટટરનેટ જગતમાં ઘેર બેઠાં મારી કલ્પનાશક્તિ અને સર્જનાત્મક વલણને વધુ ઓપ મળ્યો છે. ૨૦૦૨, ધરતીકંપ બાદ, ઘરેથી જ કોમ્યુટર કોર્ષ કર્યો. યાહુ, જીમેલ, ઓરકુટ સાથે રાચતી થઈ, વર્ષ ૨૦૧૨માં પોતાની જ ફેશન હેન્ડીક્રાફ્ટ સાઈટ પણ શરૂ કરી પરંતુ યોગ્ય માવજત ન લઈ શકવાને લીધે એ સ્વપ્નને સભાનતા પૂર્વક સંકેલી લીધું. આ દરમિયાન ૨૦૦૮માં ઓરકુટ દ્વારા જ ‘ગુજરાતી હાસ્યલેખન’ પરિવારનો પરિચય થયો. લિટલ એંજલનો પ્રોફાઈલ ફોટો એક વિષય ચર્ચામાંથી બદલાયો અને પૂર્ણ સ્વરૂપે સાચી કુંજલ પોતાની ખરી ઓળખ બતાવતી થઈ. એ સમયે જ જી.એચ.એલ. ગૃપનાં વડીલે મને શ્રી મહેન્દ્ર મેઘાણી સાહેબના સંકલિત ગ્રંથ ‘અડધી સદીની વાંચનયાત્રા’નાં દળચાર ચાર પુસ્તકો ભાગ ભેટ મોકલ્યાં. આ વાર્તાસંગ્રહ ‘જીવનોન્નયન’નું શીર્ષક, તેનાં ભાગ – ૨ની પ્રસ્તાવના પાના નં. ૬માંથી પ્રેરણાસ્ત્રોત્ર સ્વરૂપ લીધેલ છે. ખરેખર, કોઈના જીવનમાં ઉન્નયન ક્યારે, કઈ ઘડીએ થાય છે, એ તુરંત ખ્યાલ નથી આવતો. એ તો અચાનક જ પ્રતીત થાય છે.

હવે એક તબક્કો, એવો આવ્યો કે આવડે એવી કવિતાઓ અને વાર્તાઓ લખતી થઈ. મનનાં વિચાર વિહારને શાબ્દિક ન્યાય આપવા પ્રયત્નશીલ થઈ. એ સૌ મિત્રો, સખીઓ, પરિવારમાંથી ગુજરાતી ટાઈપિંગ અને ભગવદ્ગૌમંડળ શું હોય, કેમ ડાઉનલોડ થાય વગેરે શીખી, કવિતા, ગઝલ, ગીત શું હોય એ ભાવક બનીને વાંચતી થઈ…

સૌની સાથે શાબ્દિક સંપર્કમાં આવીને હુંય ક્યારે શબ્દ સાધના કરવા લાગી ખ્યાલ જ ન આવ્યો. જીવનમાં ગણેશજી આવીને બેસી ગયા અને જાણે મને કેટલીય વાર્તાઓ કાનમાં કહેતા ગયા. વાર્તાઓને મેં કલમ વડે નથી લખી. લેપટોપને સહારે, કી બોર્ડને ટપારીને આંગળીઓને ટેરવે આ વાર્તાઓ કાલ્પનીક સ્વરૂપે પાંગરતી ગઈ. શ્રુતિ ફોન્ટસ તો હવે મારા પોતાનાં જ અક્ષરો હોય એવાં આત્મિય બની ગયાં છે !

JVji & Kunj૧૧.૧૧.૧૧ના રોજ મમતા મેગેઝીન નવું શરૂ થઈ રહ્યું છે, વાર્તાકાર મધુરાયનું સંપાદન છે વગેરે કોઈ પોસ્ટ એ સમયે, પ્રિય લેખક શ્રી જય વસાવડા સાહેબની ઓરકુટ કોમ્યુનિટિમાં કે ફેસબુક વોલ પર ભાવકની જેમ નિરિક્ષણ કરતી એમનાં બ્લોગ ‘પ્લેનેટ્જેવી’ પર જોઈ અને પ્રથમ વાર્તા સત્તાવાર રીતે ત્યાં મોકલી. એ ક્ષણ જાણે માર્ગસૂચક સ્તંભ બની રહી.

Kunjal & madhuray sirએ પ્રથમ અનુભવે જ મને વાર્તાકાર હોવાનું પ્રોત્સહન મળ્યું. વધુને વધુ આ પથ પર જવા પ્રેરાઈ, હું મમ્મી અને પપ્પા ત્રણેય વાર્તાશિબિરોમાં જતાં થયાં. વાર્તાતત્વ સમજવું, કથન શૈલી અને પરિવેશ, ભાષા મઠારવી એ શીખતી ગઈ. સુભગ સંયોગે ગત વર્ષ ગુજરાત સાહિત્ય અકાડમી દ્વારા આયોજિત વાર્તાશિબિર, જેમાં અધ્યક્ષ સ્થાને મધુભાઈ હતા, રૂપાયતન જુનાગઢનાં પ્રાકૃતિક પરિસરમાં આ પુસ્તકને ઓપ આપવા હેતુ માહિતી મળી. અને ત્યારબાદ વિવેકગ્રામ માંડવી કચ્છમાં વાર્તાશિબિરનો લાભ લીધો. જેમાં કચ્છનાં પ્રખર વાર્તાકાર શ્રી માવજીભાઈ તજજ્ઞ રૂપે હતા. એ સમયે વી.આર.ટી.આઈ. માંડવીના શ્રી ગોરધનભાઈ પટેલ ‘કવિ’, ભુજના વરિષ્ઠ લેખક વડીલ શ્રી હરેશભાઈ ધોળકિયા અને સુશ્રી દર્શનાબેન ધોળકિયાની પણ વહાલપ ભરી શુભેચ્છાઓ સાંપડી.

ઓનલાઈન કેટલીક સાઇટ્સમાં વાર્તાઓ પ્રકાશિત કરવા મોકલવી અને એને ફેસબુક, વ્હોટસેપ પર શેર કરતાં, ત્રણ વિશ્વવિક્રમ પરિપત્રો મેળવેલ એવી ‘કથાકડી’, ‘સ્ત્રીઆર્થ’, માઈક્રોફ્રિક્શન ‘સર્જન’, જેવા સહિયારા પ્રયોગશાળા સમા વાર્તાશૈલીનાં વૃંદમાં પણ સામેલ થઈ અને અન્ય પ્રતિયોગિતાઓમાં ભાગ લેતી થઈ. રીડગુજરાતી, સબરસગુજરાતી, પ્રતિલિપિ, ગુજરાતી પ્રાઈડ જેવી સાઇટ એપમાં સક્રિય થઈ. માતૃભારતી એપમાં સખી સમૂહ સાથે ‘હેલ્લો સખીરી’

IMG_20160529_175851

નામે ઇ સામાયિક શરૂ કર્યું. જેના વીસેક અંક સંપાદિત કર્યાનો લહાવો લીધો. વર્ષ ૨૦૧૭ની શરૂઆતમાં જ નેશનલ બુક ટ્રષ્ટ, દિલ્હી દ્વારા ‘નવલેખન’ વાર્તાસંગ્રહ, જેમાં ગુજરાતી ભાષાની ચાલીસ વર્ષથી નીચેની નવોદિત લેખિકાઓની વાર્તાઓમાં મારી એક વાર્તા પસંદ કરાઈ.

આ વર્ષે બે પારિતોષિક પણ એનાયત થયાં, અમદાવાદ ખાતે, સ્વયંસિદ્ધા ફાઉન્ડેશન દ્વારા ૧૨ જાન્યુઆરીના ડોટર્સ ઓફ ગુજરાત એવોર્ડ અને તારીખ ૯ જુલાઈ, ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ભગવતી ધામ મંદિર, ભુજ કચ્છ દ્વારા ગુરુગૌરવ એવોર્ડ મળ્યો.

હાલમાં, સ્ટોરીમિરર વેબ પોર્ટલ પર ગુજરાતી ભાષા સંપાદક તરીકે કાર્યરત છું. આ સ્વયં પ્રકાશિત વાર્તાસંગ્રહને મુદ્રિત કરવા હેતુ વિચાર અને અમલની

તજવીજ સમયે મને સૌએ ખૂબ પ્રોત્સાહિત કરી એ બદલ સમગ્ર સ્ટોરીમિરર સંસ્થાની ખૂબ આભરી છું.

આ બધું જ એક સફર રહી, જેની પ્રથમ મંઝિલ રૂપે મારો પ્રથમ વાર્તા સંગ્રહ સૌ વાચકો સમક્ષ મૂકતાં ભાવાત્મક ન થતાં ઉર્જા સભર લાગણી અનુભવું છું. કંઈક નક્કર પગલું ભર્યાનો આનંદ વ્યક્ત કરું છું.

આ વાર્તાસંગ્રહમાં સમસ્ત ‘મમતા વાર્તા સામાયિક’ પરિવાર સહિત મને અઢળક લાડ આપ્યો છે એવા પ્રિય વડીલ, જીવંત દંતકથા સમાન વાર્તાકાર મધુરાય સાહેબના માર્મિક અને ‘મમતા’ સભર આશિષ મળ્યા અને જય વસાવડા સાહેબના સ્નેહાળ વચન થકી ખૂબ જ ખુશ થઈ છું. ખરેખર, એક દિવાસ્વપ્ન સમી મારી મીઠી જીદ્દ હતી કે મારા પ્રથમ પુસ્તકમાં એ બંનેના હસ્તાક્ષર હોય ! જે આ પુસ્તક પ્રકાશિત કરવાની તજવીજમાં ઉત્સાહ વર્ધક બન્યું. જેમની પાસેથી વાર્તાલેખનની છણાવટ શીખવાની તક મળતી રહે છે એવા કચ્છના પ્રખર વાર્તાકાર શ્રી માવજી મહેશ્વરી સાહેબનો પણ શુભેચ્છા સંદેશ મળ્યો છે.

આ સફર દરમિયાન, ગત વર્ષ પૂજ્ય મોરારીબાપુના પાવનધામ મહુવામાં યોજાતા સાહિત્ય ઉત્સવ અસ્મિતાપર્વ માણવા જવાનો પણ લાભ લીધો, જ્યાં ગુજરાતનાં પ્રખર ચિત્રકાર શ્રી અશોક ખાંટ સાહેબનું ચિત્ર પ્રદર્શન હતું જેમાં એક મને ખૂબ ગમ્યું અને મેં કહ્યું, “ભવિષ્યમાં જો હું પુસ્તક કરું તો આ ચિત્ર મને મુખ્પૃષ્ઠ રૂપે આપશો?” ચિત્રોની બારીકાઈ અને અન્ય કલાની વાતો સમજાવતે એમણે હામીભરી. અને લગભગ દોઢ વર્ષે મેં ફરી સંપર્ક કર્યો ત્યારે એમને યાદ હતું કે મેં કયા ચિત્રની વાત કરી હતી. નીલા આકાશમાં રંગીન ફુગ્ગાઓ ઉર્ધ્વગતિ કરી રહ્યા હોય અને પીઠ પર પંખ પ્રસારીને સન્નારીઓ હિંચકતી હોય… આહ! એજ મારે મન જીવનોન્નયન… એ મુખપૃષ્ઠ પર જે લખાણ અંક્તિ છે એ પંક્તિ હિન્દી ભાષાનાં કવયિત્રી સુશ્રી રેનુ ગુપ્તાની છે. Kunjal Jivanonnayan

આંતરિક સ્ફુર્ણાથી લખાયેલ ૨૧ વાર્તાઓ આ પુસ્તકનું હાર્દ છે, મૂળ તત્વ, સત્વ અને મહત્વ એનું છે. જેને પરમ સખા અને યુવાવાર્તાકાર તરીકે પુરસ્કૃત થયેલ પ્રધ્યાપક શ્રી રાજેશ વણકરે પ્રાસ્તાવિક આવકારી છે. ઘટનાની ક્ષણને ઝીલીને વાર્તાને કેમ ઘડવી એ કસબ સમજવું એ વાર્તાકારનું કર્મ છે, એવું આ મિત્ર કહે ત્યારે શેર લોહી ચડી જતું અને એમણે જ જ્યારે વાર્તાનું માર્મિક નિરૂપણ લખી મોકલ્યું ત્યારે ઊંડો સંતોષ થયો કે હા, મેં જે દિશાએ પગલું માંડ્યું છે એ યોગ્ય છે.

આ સફરમાં અનેક મિત્રો, સખીઓ અને નામીઅનામી વ્યક્તિઓ સાથે નિસ્બત થયો. પોતીકાં, લાગતાં સૌ ગુણીજનોની સાથે જરૂર કોઈ ૠણાનુંબંધ ચોક્કસ હશે. એવું માનું છું.

kc speech 8octમારા માટે લેખન એ શાબ્દિક અનુષ્ઠાન સમું છે, જાણે એ કેટલીક બીનાઓ જે આપણી આસપાસ ઘટી હોય કે મનમાં જ સ્ફૂરી હોય એનું વાર્તા નિરૂપણ કરી લખાયેલા પાત્રોનું તર્પણ કરું છું. એવું જરુરી નથી હોતું કે બધી લખાયેલી વાર્તાઓ સત્યઘટનાઓને આધીન હોય કે પછી એમાંથી કંઈક ગૂઢ બોધ મળતો હોય. એક વાર્તાકાર પોતે કંઈ પ્રખર જ્યોતિષ નથી હોતો કે સંજય સમી દિવ્યદ્રષ્ટિ પણ નથી હોતી કે એને બનતી ઘટનાઓને અક્ષરશ કસબીની જેમ કંડારવાની લબ્ધિ હોય. એક અચ્છો વાર્તાકાર એની બૌધિક સમજણથી અને કલ્પનાઓનાં અસ્ત્રોથી વાર્તાને સારો ઓપ આપી શકે. વાર્તાકાર તરીકે કહો કે એક કળા રસિકડી કુંજલ, એનું કામ એનું ‘ફિતુર’ છે, એના આ પુસ્તકમાં જાણે કે એનો જીવ છે. આ ક્ષણે જો ઈશ્વર કહે કે માગ, તારે શું જોઈએ? તો હું કહીશ, “મારું આ પ્રથમ પુસ્તક પ્રકાશનનું કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થાઓ…!”

કેટલીક વાર્તાઓ ક્યાંક ઓનલાઈન તો ક્યાંક સામયિક કે પૂર્તિમાં પ્રગટ છે, તો કેટલીક અપ્રગટ છે. પ્રથમ વાર્તા મમતામાં પહેલીવાર પ્રકાશિત થયેલ વાર્તા છે, બીજી વાર્તા પ્રથમ લખેલ વાર્તા છે, જેમાં એક વાક્ય છે; ‘ડો. અંજલિએ લેપટોપ પર ચશ્માં મૂક્યાં’ એ વાક્ય પછી મારું પહેલું લેપટોપ બગડ્યું અને ૨૦૧૧માં લીધેલ આ લેપટોપ સાક્ષી છે મારી આ સફરનું…

આ ભાવુક ક્ષણનાં સાક્ષી અને મારા અસ્તિત્વના આધાર એવા મમ્મી-પપ્પા અને કુટુંબીજનોના સાનિધ્ય સહ સાભાર અર્પણ, પ્રથમ વાર્તા સંગ્રહ ‘જીવનોન્નયન’.

કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

પુસ્તકઃ જીવનોન્નયન, પાનાઃ ૧૬૦ કિંમતઃ રૂ. ૧૮૦
જેને આપ એમેઝોન પરથી મંગાવી શકશોઃ Jivanonnayan Amazon

 

 

freeDomonwheels

first-clik-freedomwheels

Yes, It’s a Year..  એક વર્ષ પહેલાં જ હું સ્વતંત્રપણે ફરતી થઈ. ત્રણ દાયકાની સ્થીર પરિસ્થિતિએ એક ગતિ આપી. મારા હાથમાં ફ્રિડમ વ્હિલ્સનું ઓટોમેટિક જોયસ્ટિક સ્ટિયરીંગ આવ્યું. આહ! એ પહેલો ચક્કર, કોઈ પહેલીવાર પગલાં માંડે, સાયકલ, બાઈક કે ગાડી હાકલે અને જે ઉલ્હાસ, ગભરાહટ અને રોમાંચનું મિશ્રણ અનુભવે એથી કદાચ આ ત્રણગણી વધારે તિવ્રતા ભરી લાગણી હતી.

એક બપોરે અમારા એક વ્હોટસેપનાં ગ્લોબલ ડિસેબલ ગૃપમાં વિડિયો જોયો, કદાચ ઓગસ્ટ – સપટેમ્બર હશે, યાદ ક્યાં રહ્યું? યાદગાર નિર્ણય લેવાઈ ગયો કે આ વ્હિલચેર મારે લેવી. વિડિયોમાંથી નંબર મેળવ્યો, મમ્મીને કહ્યું, “બેસ બાજુમાં અને સાંભળ.” ૨૨ મિનિટ ચાલેલ ફોનમાં જિગ્નેશભાઈ સાથે વાત કરતાં થયું કે યેસ, આજ છે જે હું શોધતી હતી..

ઘરે સૌને વાત કરી.. ડેમો પણ લેવો કે કેમ? એ પણ રિસ્ક લેવા જેવું હતું. હાથ મિલાવવો, એટલે કે શેક હેન્ડની મૂવમેન્ટ પણ વધારે ફોર્સ આવે તો આંગળીઓ કે કાંડામાં ફ્રેક્ચર પડે એટલાં નાજુક અને બરડ હાડકાંનું આખું માળખું, આઠ સ્ટિલ રોડ (ઓપરેશન કરેલ સળિયા)થી ટક્યું છે, કે જે ૭થી ૮ ઓપરેશન તબ્બકાવાર નાનપણમાં કરાવેલ. જરાક પણ ગબડી તો ગઈ સમજો…

એક વર્ષ પછીનાં અનુભવો શેર કરું છું આજે. પપ્પાનું રિટાર્યમેન્ટ ગીફ્ટ કહો કે દીવાળીની, કાકા ઘણીવાર કહેતા હોય, તને એકટીવા લઈ આપવાનો ખરચો બચ્યો…! ત્યાં તો આ તોએથીય વધ્યું. પપ્પાનું રિટાર્યમેન્ટ જાણે હું, મમ્મી – પપ્પાનું ફરવામેન્ટ… અંક્લેશ્વર કાકા પાસેથી અમદાવાદ રિટર્નમાં ઉપડ્યાં. એટલાંમાં તો જિગ્નેશભાઈને ૨૫-૩૦ ફોન થયા હશે એ નિર્ણય લેવામાં કે ડોમો લેવો કે નહિ.

એ દિવસથી આજ સુધી પારિવારિક ઘરોબો થયો, અત્યાર સુધીમાં ત્રણેક વખત એમનાં ઘરે અને વર્કશોપમાં જઈ આવી, જમી આવી અને અનેક અનુભવોનું ભાથું લાવી.

અમારી ગાડી, રિટઝમાંથી મારી રેગ્યુલર ચેર કઢાવી જ નહિં અને ડેમોસ્ટ્રેશન માટે મૂકેલી ચેર પર બેસાડી. “બેલ્ટ બાંધવો છે?” “જરા સંભાળ..” “પેનની જેમ પકડ..” “આરામથી..” “અલી, પાછળ ન જો.. સીધું જો..” અનેક વાક્યોને ઝીલતાં એક રાઉન્ડ માર્યો. એમની સોસાયટીનું સ્પીડબ્રેકર મસ્ત છે, ઠેકાવ્યું.. ઢીંડુંબ… “એ એ.ઈ…..ઈઈઈઈ…… જો,,,,” “એ.. પપ્પા…..” બધાં દોડ્યાં.. પણ કંઈ ન થયું સહેજ આગળ ખસકીને કુંજલબેન તો ચાલ્યાં, સોસાયટીનાં ગાર્ડન તરફ! એ પછી, ગ્રાન્ડભગવતી વાળા ધમ્ધમતા રોડ પર પ્રથમ સવારી નીકળી, પપ્પા ભાઈ, કાકા ચલતા અને જિગ્નેશ ભાઈનો સન અને હું પોતપોતાની ફ્રિડમ વ્હિલ્સ પર..

એ પછી, ડર ગાયબ હતો. એ વિડિયોઝ જોવું તો સૌ કહે જો તો કેવી મલકાય.” “યેસ, મલકની ખુશહાલી મળી છે. કેમ ન મલકાઉં?”

કેટલીય વાર, પપ્પા – કાકાની આંગળી ચપલી હશે આ ચાંપલીએ. ભાઈઓ અને દોસ્તારોનાં સ્પોર્ટસૂઝ કચડ્યા હશે, આ એક વર્ષમાં. મહુવાનાં ધૂળીયા રસ્તા પર બાપુની પગદંડીએ ઘૂમી અવી. ગિરનારની તળેટીની ખરબચડી કેડીઓ ચડી, અમદાવાદનું રિવર ફ્ર્ન્ટ ફરી. માંડવીનાં બીચ પર છેક કીનારા સુધી ઉપડી હતી અને ભાઈઓનાં લગ્નમાં વરઘોડામાં પણ… નાચી.. જાતે ફરતે ફરતે…..

જુલાઈ ૩૦, ૨૦૧૬ની સાંજ, કાયમ માટે યાદગાર રહેશે. જિગ્નેશભાઈ, સાથે સાંજનાં ૫:૪૫થી ૮ વાગ્યા સુધી ભરચક્ક ટ્રાફિકમાં બ્લાઈન્ડ પીપલ એસોસિયેશન અમદાવાદથી વસ્ત્રાપુર લેક વાયા આલ્ફામોલ ડ્રાઈવ કર્યું. વચ્ચે વચ્ચે ટ્રાફિક સિગ્નલ્સ અને પૂરઝડપથી પસાર થતા વાહનોનો સામનો કરવો, રસ્તો ક્રોસ કરવો, અને વાહન ચલાવવાનાં અન્ય નિયમો શીખી. પપ્પા મમ્મી ગાડીમાં પાછળ અને અમે અમારી સવારીમાં.. અદભૂત અનુભવ રહ્યો હતો.

કોઈ સરસ નાનો એવો કથાબીજ, આખી નવલકથાને લખવા પ્રેરીત કરે. એક નજીવો આઈડિયા, જરા સરખી ઈચ્છા વિશાળ ફલક પર પૂર્ણ થઈ જાય છે.

એવું કંઈક મને લાગ્યું, સહિયારા કુટુંબ વચ્ચે એકવાર, સંજય દત્ત અને ઉર્મિલાવાળું પિક્ચર જોતી હતી… “જા, બચ્ચે….જીલે…” એવું કહી નાના બાળકને મોટોરાઈઝ્ડ વ્હિલચેર પર બેસાડે છે આ ગિફ્ટ અમેરિકાથી આવી છે, એવું કંઈ પટ્ટકથામાં છે… આ દ્રશ્ય જોતે, ક્ષણાંર્ધમાં.. “I wish…. મને આવું કંઈક.. જોઈએ..” એવું ઈચ્છ્યું હોય અને ઈશ્વરે કહ્યું, “તથાસ્તુ. અમેરિકા, ચેન્નઈ, મુંબઈ એમ દૂર નહિં અમદાવાદમાં જ મળશે જરા ધીરજ ધર.. કુંજલ..” જિગ્નેશ ભાઈ પાસે બીજાં ૬-૭ મોડેલ છે. પણ મને આ ફાવી. થોડાં કસ્ટમાઈઝ્સ્ડ મોડિફિકેશન કરાવ્યા, ફૂટરેસ્ટ એમણે બનાવી આપ્યું. “જમણાં હાથમાં મોબાઈલ હોય તો જોયસ્ટિક તો ડાબા હાથે જોઈએ હો..” સૌ હસી પડ્યાં. જિગ્નેશ ભાઈ, “થઈ જશે બીજું કહો..” “ગાડીમાંથી જાતે ઉતરાય એવું વિચારવું છે.” મમ્મીની ઈચ્છા મુજબ એ પણ પ્રયન્ત કર્યો. એમાંય ફાવ્યું. અને કુંજલની “રૂકી – રૂકી સી ઝિંદગી ઝટ સે ચલ પડી……..”

સંજય છેલ સાહેબનો ૧૪, ઓક્ટબર જન્મદિવસ. પપ્પાનો ૬૧મો બર્થડે.. અને મારી ફ્રિડમવ્હિલનો દિવસ…ને બ્લોગ પોસ્ટરૂપે વધાવું છું.

૧૪, ઓક્ટોબર, પપ્પાનો જન્મદિવસ. મારે પપ્પા એટલે અસ્તિત્વનો આધારસ્તંભ. અને ૨, ઓક્ટોબર. ગાંધીજી જેવી જ મમ્મી. એ મારે માટે જીવન જીવવાનો મજબૂત પાયો. મા એટલે બાળકનાં શરીરમાં ધસમસતું રક્ત અને પિતા એટલે સંતાનનાં હ્રદયમાં પ્રસરેલી શીરાઓ. મમ્મી એટલે લાગણીઓની સરવાણી પપ્પા એટલે તટસ્થ વિચારોનો સંપૂટ. If a Father is Backbone & a Mother is whole skeleton of their child’s Body.

આ દિવસને યાદગાર બનાવા નાનો એવો વિડિયો યૂટ્યુબ પર મૂક્યો છે. જે અચૂક ક્લિક કરીને જોશો.

એક વર્ષ દરમિયાન, ક્યાંકને ક્યાંક ભટકાઈ, પણ વાગ્યું નથી. ઈશ્વર સહાયક થઈને સાથે ચાલે છે. એવું ચોક્કસથી અનુભવાય છે. હા, ઉપલાંને મોટર કાઢવી થોડી ભારે પડે છે. વજન સામાન્ય વ્હિલચેર કરતાં વધારે છે. પગથિયું ચડાવતાં બીજાં થાકી જાય. એકાદ ટાયર બદલાવ્યું, એકાદવાર બેટર્રીનો છેડો છૂટ્યો, કેટલાક ટોચા જોયસ્ટિકનાં હબને ભટાકાવાથી લાગ્યા છે. સીટ જરા ઢીલી પડતી લાગે છે. હેન્ડલ હલતું થયું છે.. પણ મોજ છે આપણને.. ગોળ ગોળ ૩૬૦* ડિગ્રી હરુંફરું છું.. બધાં વઢે કે તું આમ ફરશ ને ચક્કર અમને આવે છે. તડકો જોવું છું જાગીને અને સુવા પહેલાં તારલાઓની ઠંડક પણ આંગણાંમાં બેસીને માણી લઉં છું. આત્મવિશ્વાસનાં કોડિયામાં આશાનું ઈંજન પૂરાયું છે. વધુ ખાસ શું કહું?

અરેબિયન નાઈટ્ટસનાં જાદુઈ શેતરંજી પર બેઠેલો અલ્લાહદીનથી પોતાને સરખાવતી ફરું છું. આને આત્મવિશ્વાસની એક અભિવ્યક્તિ સમજશોજી…..

  • કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

kathakadi

કથાકડી, એક સામાન્ય ફેસબુક પોસ્ટને બ્લોગપોસ્ટ દ્વારા ત્યારબાદ ઈબુક દ્વારા અને લિમ્કા વર્લ્ડ રેકોર્ડ જેવા વૈશ્વિક સ્તરે નોંધનીય પ્રમાણપત્ર સાથે સૌને નવાઝયા એવા સર્વગ્રાહી સામૂહીક સફળતા બક્ષતો સાહિત્યિક અને સર્જનાત્મક; સકારાત્મક તથા બહોળા સહકાર થકી કરાયેલ નવલ વાર્તા પ્રયોગ. #કુંજકલરવ
kk5

૦૮.૦૧.૨૦૧૫ના ‘રોજ હું એક વાર્તાનો ફકરો લખી મૂકું છું શું આપને આ વાર્તાને આગળ વધારવા જેવી લાગે તો એ પછીની કડી તમે લખી શકો એવો વાર્તા પ્રયોગ કરવાનું નક્કી કર્યું છે.’ એવી વાત નીવા રાજકુમાર નામક ફેસબુક પ્રોફાઈલમાં વાંચી. જે પોસ્ટની નીચે એક બ્લોગ લિંક હતી. જેને ક્લિક કરીને વાર્તાનો પ્રારંભિક હિસ્સો વાંચ્યો. વાર્તા નાયિકાની મનોવ્યથા અને નાયકની લાક્ષણીકતા આકર્ષક લાગી. આગળ વાંચવાની આતૂરતા વધતી ગઈ. હજુ તો સાતમો હપ્તો શરુ થયો એ સમયે મારું વ્યક્તિગત ફેસબુક પ્રોફાઈલમાં વણજોઈતી મુશ્કેલી ઉભી થઈ અને એ પ્રોફાઈલ બંધ થઈ. એ સમય દરમિયાન નીવા બહેનને કહી રાખ્યું હતું કે ‘તમને યોગ્ય લાગે ત્યારે મને યાદ કરજો. મારી જગ્યા રાખજો હું લખીશ.’

હું ફેસબુકવિહોણી થઈ, છતાંય બ્લોગ પર કડી વાંચતી રહી, મારું પ્રોફાઈલ ડોઢેક મહીનો વિત્યો પછી શરુ થયું અને ત્યારે ૧૯મી કડી વડીલ મિત્ર વત્સલ ઠક્કરની ચાલતી હતી. વાર્તા એ સજ્જડ વેગ પકડ્યો હતો. એ સમયે હું એમાં કઈ રીતે જોડાઉં? મારાથી વાર્તાનું સ્તર જળવાશે? મારા પછી આગળ લખનારાને મુશ્કેલી ન પડે એનું પણ ધ્યાન રાખવું પડશે ને? વગેરે વિચારતી ફરી નીવાબહેનને મેસેજ કર્યો.

“તમે ૨૭મી કડી લખજો. તૈયાર રહેજો..” ટૂંકા પ્રત્યુત્તર સાથે વાત થઈ. અચાનક “તમને ૨૬મી કડી લખવાની છે.” એવો સંદેશ આવ્યો. હું એક બાજુ ખૂબ રાજી થઈ કે એક સરસ પ્રોજેક્ટ સાથે જોડાઉં છું. બીજી તરફ પરિવારમાં મજાની હિલચાલ ચાલતી હતી. ભાઈની સગાઈનાં પાકેપાયે ચર્ચાઓ ચાલતી હતી. મંગળ, ગુરુ અને શુક્ર અઢી દિવસ આમ જ વિત્યા આઠ દસ ફકરાનો હપ્તો મોકલ્યો. એ સમયે વ્હોટસેપ ગૃપમાં પણ એડ કરાઈ અને ફેસબુકમાં પણ… વ્હોટસેપમાં પાર્ટી ચાલતી હોય કેમ કે જેમનું લખાઈ ગયું હોય એવો રીલેક્ષ હોય અને જે વેઈટિંગમાં હોય એમને પણ ફકત આનંદ જ હોય. જ્યારે ફેસબુક ગૃપનું વાતાવરણ સાવ ઊંધું! એક વર્કશોપ જેવું. એક ફેક્ટ્રરીમાંથી વાર્તાનું ઉત્પાદન થતું હોય એવી ધમાલ!
kk4

જોડણીનું ધ્યાન રાખજો. પાત્રોનું વર્ણન જોજો. પ્રસંગોમાં ચૂક ન થાય એનું ધ્યાન રાખવું. જોજો ક્યાંય જોલ ન દેખાય! પોઈન્ટસ ટૂ પોઈન્ટસ જ લખજો વધારાનું નહી… અધ્ધ… શીખામણો અને અનેક શીક્ષકો…!

વાર્તાનાં હાર્દને તો પહોંચી પણ એ જ હપ્તાને સ્પર્શતા વાર લાગી, એક માનસીકતા મુજબ એને અનુરુપ થવું જ પડે એ વાત માંડ ગડ બેઠી. અંતે હારી જઈને મારાથી નહીં થાય કોઈ બીજાને આપી દ્યો. એવું કહેવાની ઈચ્છા થઈ આવી એ સમયે આખી ટીમ એકઠ્ઠી થઈ. રીઝવાન ભાઈ, અજય ભાઈ, અશ્વિનભાઈ અને વત્સલ ભાઈ… વહારે આવ્યા અને જાહ્નવી ફોઈ અને નીવાબેનનો સાથ મળ્યો. પોઈન્ટસ નક્કી થયા અને રાતો રાત લખવા બેઠી. અડધા દિવસમાં એપ્રુવ પણ થઈ. ૨૧.૦૨.૨૦૧૫ બીજે દિવસે શનીવારે બપોરે બરાબર બાર વાગ્યે મારી કડી બ્લોગ પર મુકાઈ અને બીજી તરફ ભાઈની સગાઈનાં સમાચારનો ફોન આવ્યો. જાણે એક હાથમાં બે લાડુ!

કથાકડી ૨૬ની લિંકઃ please click link to read story: https://nivarozinrajkumar.wordpress.com/2015/02/21/કથા-કડી-૨૬/

એ કડીની પ્રસ્તાવનાઃ
‘ક’ મારા નામનો પહેલો અક્ષર મને પહેલાં જ શીખવા મળ્યો. ભણતરનો સમય નીકળી ગયા પછી ભાષા પ્રત્યેની જાગૃતી અને માન વધી ગયું. કહેવાય છે ને? કે બાર ગાઉ ચાલીયે ત્યાં ભાષા બદલાય. બોલવાની લઢણમાં ફરક હોય પણ શુધ્ધ ભાષા એને સ્થાને અચળ છે. માતૃભાષા દિવસે જ મારી કડી પોસ્ટ થઈ છે એમાં આનંદ બેવડઈ ગયો! ફેસબુકની સફરે મને ઘણું આપ્યું છે. આ કથા કડીનાં સુત્રધાર Nivarozinબેન પણ એમાં જ મળ્યાં. ૨૦૧૨માં મારા ફિમેઈલ ગૃપની શરુઆતમાં જ “ખાતી નથી પીતી નથી.” ઢીંગલી ગીત મૂક્યું હતું. એ વડીલ સખીનો લાડ યાદ રહી ગયેલો.

બ્લોગ વિશે પણ ઘણી વખત માહિતી અને ચર્ચા કરતી એમની પાસે. પહેલા જ દિવસથી કડીની લિંક સાથે ટેગ કરી. ‘પછી નિરાંતે વાચું.’ મેસેજ કરી દીધો’તો મેં. રોજ રાતે વાંચી લેતી. રસ પણ પડવા લાગ્યો. દીદીના એક જ વખતનાં મેસેજ પછી મેં કહી દીધું કે, ‘મારી જગ્યા રાખજો.’ સાતમો હપ્તો આવે ત્યાં સુધીમાં ઓન્લાઈન જીવનમાં ભૂકંપ આવ્યો હોય એમ મારું જૂનું ફેસબુક પ્રોફાઈલ બંધ થઈ ગયું. નવું આઈ.ડી બનાવીને મેસેજ કર્યો દીદીને. “તમારો વારો આવશે એટલે ગૃપમાં એડ કરીશ.” એવું દીદીનાં જવાબથી ખુશ થઈ. ત્યારે ૧૯-૨૦ કડી સુધી સફર પહોચી ગઈ હતી. વાર્તાએ મજબૂતી પકડી. બહારથી ખો-ખોની રમત જેવી સરળ લાગતી કથા કડી. વાર્તા શિબિર કે વર્કશોપ સમું ગૃપમાં દાખલ થયા બાત મુદ્દાઓ; ચર્ચાઓ જોઈ પરસેવો છૂટી જાય. એકલવાયા ભાવજગત અને વિચારોનાં વેગે તો ઘણું લખાઈ જાય; આમ સહિયારા પ્રયાસમાં સૌનો સધિયારો લેતે લખવાનો અનુભવ રોલરકોસ્ટર રાઈડ જેવો રહ્યો! નિબંધ ન લાગવો જોઈએ, વર્ણનમાં અતિશયોક્તી ન હોય, પાત્રોને વાચાળ/ બોલકાં રાખો.. એક એક ફકરા સાથે કેટલું બધું!! ક્ષતિમાંથી જ શીખવા મળે છે; શીખનારનું જીવન હંમેશા વહેતું રહે છે સ્થગિત થતું નથી. મહત્વની અને નિર્ણાયત્મક તબ્બ્કે કડી લખવા સતત મારા માટે ઉજાગરો કર્યો અને જાગ્રતપણે કડીને ન્યાય આપવા પ્રોત્સાહિત કરી (સૌએ)માં ૨૬ નામ સમાવું છું. બાલિશ સવાલોનાં પરિપકવ જવાબો આપતી આખી કથા કડી ટીમનો આભાર સાથે હવે પછીનાં લેખકને ‘ખો’ આપુ છું.

— કુંજલ પ્રદિપ છાયા

Link on Pratilipi:  http://www.pratilipi.com/kunjal-pradip-chhaya-little-angel-1/kath-kadi-bhag-26

ક્ષણીક આવેલ એક વિચારને મોટા ફલક સુધી પહોંચાડનાર એવા નીવાબેનને અઢળક ધન્યવાદ. એમણે હકીકતે દિવસ રાત એક કરીને કામ કેમ થાય એ સાબિત કર્યું છે. એક લિડર અનેક લિડરને તક આપે એ રીતે એમણે મૂળ કથા કડી સિવાય વિવિધ બીજા પણ વિભાગ શરુ કર્યા. કચ્છી કથાકડીની જવાબદારી પણ મને આપી કે જે સાવ નાવિન્ય સભર પધ્ધતિ રહી. એક કડી એક્થી વધુ લેખકો લખે છે. ભાષાંન્તર અને ભાષાશુધ્ધિ અને વાર્તા ટાઈપિંગ માટે સૌનો સહકાર રહે છે દરેક કડી પાછળ!

kk6

૫૦ કડી ઉપરાંત કડી લખાઈ રહી છે સાથે વિવિધ પ્રાદેશીક ભાષા અંગ્રેજી હિન્દી સંસ્કૃત અને માત્ર સ્ત્રીઓ દ્વારા અને ફક્ત પુરુષો દ્વારા તથા બીજી અનેક પ્રયોગાત્મક કથાકડી મુખ્ય વાર્તાની સમાંતર જ લખાઈ રહી છે. વમળ વાર્તા મારી વ્યક્તિગત રીતે પ્રિય છે. એ મેં હનુમાન જયંતિનાં દિવસે પૂજ્ય મોરારી બાપુને સાંભળતે લખી હતી. બીજી બધી જ વાર્તાઓનું બંધારણ ખૂબ જ સશક્ત છે. ત્યારે એમ થાય કે દરેકનો હિસ્સો બનું. હરકોઈ પોતાના અંદાઝમાં લખે અને એ પછી એ અલાયદું ન રહી સામૂહિક થઈ જાય એ કોઈ નાનીસુની વાત નથી જ!

૧૫.૧૧.૨૦૧૫નાં વડોદરામાં મળેલ સ્નેહમિલન પણ મેં તો એ પણ ઓન્લાઈન માણ્યું. જીવંત પ્રસારણ જોયું હોય એમ એકેક તસ્વીરી ઝલક તરોતાજા લાગતી હતી. સાવ એકબીજાને અજાણ્યાં હોય એવા સામાજિક પ્રાણી કહેવાતા માનવ સમૂદાયને એક કર્યા છે કથાકડીએ.

હું તો નીવાબહેનને જાહ્નવી ફઈનાં બહેનપણી તરીકે ઓળખતી થઈ હતી. ફિલેમલ્સ ગૃપ ૨૦૧૨માં શરુ કર્યું ત્યારે પ્રથમ પોસ્ટમાં જ ‘ઢીંગલી’ ગીત મૂકીને એમણે લાડ કર્યો હતો. એ લાડકોડ એક ઋણાંનુબંધ બનીને ઠર્યો! અજયભાઈ, અશ્વિનભાઈ, રિઝવાન, ડો. કારીયા, વત્સલ, જેવા વડિલ મિત્રો પાસેથી ઘણું શીખવા મળ્યું. અને વડિલઓ સખીઓનો તો અમેય પહેલાંજ ઘરોબો હતો જ, જે વધ્યો. જીગર, ત્રિભુવન, નિમિષ, કંદર્પ કે એંન્જલ જેવાં સમોવડીયા મિત્રો સાથે મૌજ વધે છે. કેટલાંના નામ લખું? ના કોઈને ટેગ જ નહીં કરું કેમ કે સૌ કોઈ મનથી નજીક છે એ સૌ વાંચશે જ.

કથાકડીનો સાથ એ વખતે મળ્યો જ્યારે લખવૈયા હોવાના આત્મવિશ્વાસની શોધમાં હતી. જાણે કે રુકી રુકી સી જિંદગી ઝટ સે ચલ પડી…! એ પછી સતત શબ્દોને રવ આપવામાં પાછી પાની નથી કરી. એ ક્યારે ભૂલાશે નહીં.

kk7કથાકડીની શૃંખલા ખૂબ જ માવજત પૂર્વક એનો આરંભ થયો હતો. એક ક્લાસિક વાર્તાનું સ્વરુપનાં લક્ષણ એનાં આહ્વાનમાં જ હતાં અને એવું ચોક્કસથી ઈચ્છ્નીય છે કે એનો આગાઝ જેટલો સશક્ત છે તો અંત પણ એટલો જ રસપ્રચૂર અને જકડી રાખે એવો પ્રચંડ રહેશે… શુભેચ્છાઓ.. સૌ આગળ ધપાવનારાઓને..

એક કડી લખ્યા બાદ બીજા લેખકને આગળ લખવાનો ‘ખો’ આપવો જાણે કે વાર્તાની અંતાક્ષરી! તદ્દન નવતર વાર્તા પ્રયોગનાં પ્રથમ સોપાન સમા કથાકડીને એક વર્ષ પૂર્ણ થયું છે. કેટલુંય કહ્યું અને સૌની પોસ્ટ વાંચી છે ત્યારે મન કથાકડી મય બની ગયું છે… ખાટા, તીખા, ખારા, તૂરા, કડવા, મીઠા બધાજ અનુભવોની સરવાણી સૌએ એકસાથે મળીને માણી..!!

અડગ આગેવાન નીવાબેન સહિત સૌ ખમતીધર લેખકોને અત્રેથી સલામ..

Kathakadi https://nivarozinrajkumar.wordpress.com/…/%E0%AA%95%E0%AA%…/
great experience to learn how to write with the group, by the group & for the group.
Heartily thnx to Nivarozin didi.. brilliant effort to conduct 50+ totally unexperienced writers to wrote such Morden style of novel!
Three cheers to Team..
નવો ચિલો પૂરવાર થયા એવી પ્રવૃતિનો એક નાનો એવો હિસ્સો હોવાનો ગર્વ છે. કથાકડી સતત ચાલતો અવિરત વાર્તા ઉત્સવ છે. એક આગાઝ છે.. એક નવતર અવસર નહીં કે… ક્ષણ્ભંગૂર પ્રાસંગિક પ્રવૃત્તિ… ||ઇતિ સિધ્ધમ||


#કુંજકલરવ ૦૮.૦૧.૨૦૧૬

environmental day

પર્યાવરણ દિન ૫ જૂન, ૨૦૧૫ મારા માટે ખાસ દિવસ રહ્યો.. બે ખુબ જ મહત્વનાં કારણો સર..
cover pic 1
મધર્સ ડે ૨૦૧૫ અભિયાન સામાયિક અને કચ્છમિત્ર અખબારનાં મારા મમ્મી વિશે સરસ મજાની વાતો હજુ સૌએ વાંચી ત્યાં જ ૧૫, મે નાં વર્ષોથી ઓનલાઈન ધમ્ધમતા ફિમેલ ગૃપની એડમીન બની બેઠા રુપકડાં ઈ-બુકનાં સંકલનકાર ! અણધારી સફળતા મળી, અઢળક શુભેચ્છાઓ મળી, સૌ એ સૌ લેખિકાઓને પણ બિર્દાવ્યા. વધુ લખવાનું પ્રોત્સાહન મળ્યું. આ ઈ-બુકની પ્રક્રિયા દર્મિયાન જ.. ભુજનાં અગ્રણી શિક્ષિકા જાગૃતિ બેનનો સંપર્ક થયો.. ભુજનાં અંત્યોદય વિસ્તારમાં કોઈ કુંજલ પ્રદિપ છાયા નામની વ્યક્તિ રહે છે.. એમણે પોતાનાં અનેક સારી પ્રવૃત્તિઓ આદરતા વૃંદ સાથે જોડી…
સહજીવન.. પર્યાવરણનાં સંરક્ષણની ચર્ચા કરતું આ જૂથ અનેક જૂંબેશો અને ચળવળ ચલાવે છે.. પ્લાસ્ટિક ઝબ્લાં હટાવો, સ્વચ્છતા કે બીજા અનેક વિષયો કે જે પર્યાવરણ ને નુક્સાન કર્તા હોય એવી વિવિધ પ્રવૃત્તિ કરી ભુજ શહેરની નિઃસ્વાર્થ સેવા કરે છે.
અઠવાડિયા પહેલાં જાગૃતિ બહેનો ફોન આવ્યો.. કુંજલ બળકોની ચિત્ર સ્પર્ધા છે. તમે નિર્ણાયક તરીકે આવી શકશો? એ સમયે.. હા. કહ્યું. કાર્યક્રમની રુપરેખા જાણીને મજા આવી ગઈ.. રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન વાંચન સ્પર્ધા, ઈકો ફ્રેન્ડ્લી મોડેલ મેકિંગ.. વહ્હ.. આ બધું ગમે જ !
ઈશ્વરને ગમ્યું તે ખરું. પહેલા જ દિવસે.. ધામધૂમ સાથે મેઘરાજાની સવારી પહોંચી આવી અને રંગોળી સ્પર્ધા મોકૂફ રખાઈ.. બીજે દિવસે પણ બપોરે અમી છાંટણાં થયા.. વરસાદ વધશે તો નહીં પહોંચી શકું.. પણ.. તડકો નીકળ્યો.. અને સૌ કાર્યક્રમને આગળ ધપાવવા નીકળી પડ્યાં..!
હોલ પર પહોંચી સરસ આવકાર મળ્યો.. સૌ સ્પર્ધકો નાનાં ભૂલકાઓ ચિત્રોનાં શસ્ત્રો લઈ બેઠાં હતાં.. હાથમાં નિર્ણાયકનું પાટિયું આપ્યું. સહ નિર્ણાયકની ઓળખાણ કરાવાઈ.. અવની સોની.. અરે! ભુજમાં તો આપ સહુનું નામ છે.. મેં કહ્યું.. તમને પણ ગરવાઈમાં વાંચ્યાં.. અવની બેન એ કહ્યું.. અમે તો દોસ્ત થઈ ગ્યાં..
નિબંધ વાંચન સ્પર્ધા એજ સમય દરમિયાન શરુ થઈ.. વિષય.. મારા સ્વપ્નનું ભુજ ૨૦૨૫માં… આહ્હ.. કેટલીય કલપ્નાઓ.. શ્રોતા તરીકે કરી.. મજા આવી સૌને સાંભળી.. ચિત્રોનાં પાનાં મળ્યાં.. અવની બેન ને હું અસમંજશમાં પડ્યાં કોને પુરસ્કૃત કરવા?!
નિર્ણય કાલે આપજો.. આયોજકો એ કહ્યું.. થોડાં હળવા થયાં.. કાલે સ્પીચ પણ તૈયાર રાખજો.. એ ઉમેરાયું.. સસ્મીત.. ચોક્કસ.. કહ્યું..
સવારે ૬:૩૦ હમીસર તળાવ પાસે રેલી કરશું તમે આવશો? મમ્મી સામે જોયું મેં. તેમણે તો તરત જ હા કહી..!11249697_1455208514791485_1726008300_o હું પપ્પા મમ્મી સાથે નિશ્ચિત જગ્યા એ પહોંચ્યાં.. લીલા રંગોનાં વસ્ત્રોમાં સજ્જ નાનું પણ સરસ વૃંદ હાજર હતું.. શહેરી જનો નમસ્તે.. કચરો ન ફેંકો રસ્તે,, ક્લિન ભુજ.. ગ્રીન ભુજ.. જેવા નારાઓ સાથે નીકળી પડ્યાં.. જોકે અમે અડધેથી જ જોડાયા.. વધુ વોક/વ્હિલ્ચેર રાઈડ ન થાય… પણ સવાર સવારમાં મજા આવી ગઈ !
ઘરે આવ્યા ત્યાં.. ઈ- મેગેઝિનનું આજે લોંચિંગ છે.. પેજ બનાવ્યું.. લાઈક અને ઈન્વિટેશન.. બુક પબ્લિકેશનમાં ફોન છેલ્લીઘડીનાં ફેરફારો ચર્ચાઓને અંતે….. અહ્હ! વી હેવ ડન ઈટ…
રીયલ ઓનલાઈન ઈ મેગેઝિન.. એપ્પ…….
સાંજે ૫:૪૫ કાર્યક્રમમાં જવા સુધી મમ્મી એ ટોકે રાખી.. “ઈ મેગેઝિનનું પ્રોમોશન કામ કરીને જરા ત્યાં શું બોલીશ એ પણ લખી લેને.. જરા બોલી જો.. ઘરે જ..” “ના મમ્મી એમ નહીં સૂઝે. અત્યારે ઈ મેગેઝિનનો નશો માથે છે.. ડોન્ટ વરી સરસ જ બોલીશ” ફરી હોલમાં પહોંચ્યાં.. આવકાર અને મહેમાનની હરોળમાં ગોઠવાયા ! ત્યારે થયું આ તો.. જબરું થયું હું શું બોલીશ? ક્યાં વિચાર્યું? સંસ્થાના સંચાલકે ખુબ જ માહિતિ સભર ચર્ચાઓ કરી.. હાજર શ્રોતાઓ પૈકી સૌ પાસેથી પર્યાવરણ સંરક્ષણનાં વિચારો મંતવ્યોની ચર્ચાઓ કરી, “૨૦૨૫માં સ્વપ્નનું ભુજ” સૌ કોઈએ મન ખોલીને વર્ણન કર્યું.. અમે તો સામા બેસીને સાંભળ્યું…
હવે વારો આવ્યો ઉપસ્થિત નિર્ણાયકોનાં મંતવ્યો બોલવાનો..11335874_1455011078144562_1100790849_o પહેલાં કુંજલબેનને આમંત્રીયે.. મમ્મી સામે જ બેઠી હતી, એમ્ની સામે જોયું.. અરે.. હું ક્યાં પહેલીવાર બોલવા બેઠી કે ગભરાઉ? પણ હા, એક જવાબદારીનાં નેજા હેઠળ બોલવાનું હતું.. કોઈએ પોતાની કલપ્નાઓ ચિતરી હતી એના વિશે નિર્ણય આપવાનો હતો.. હળવાશથી સામાન્ય પરિચય આપ્યો.. ટાંક્યું કે હું તો આવા નાના બાળકોને લઇને વર્ષોથી એકલી જ મારાથી થાય એવી પ્રવૃત્તિઓ કરું છું.. અહીં સમૂહને જોઈને આનંદ થયો..
“મારા સ્વપ્નનું ભુજ” સૌને સાંભળીને મજા આવી.. હું મારી જ વાત કરું તો.. અમને કોઈ આમંત્રે કે અમદાવાદ/મુંબઈ ફરવા આવો તો હું કહું કે અમારા કચ્છમાં તો કોઈ ગંભીરપણે માંદું હોય તો જ અમદાવાદ મુંબઈ ભાગીયે.. ફરવા ખાસ અવાતું નથી.. ! સૌ હસી પડ્યા.. કચ્છનાં પાટનગર ભુજમાં.. દરેક પ્રકારની તબિબિ સારવારથી સજ્જ હોસ્પિટલ્સ હોય.. વિધ્યાનગર કે બેંગ્લોર ભણવા નવી પેઢીને વતન મૂકવું ન પડે.. સ્વિઝરલેન્ડની જેમ.. અહીંની અહિર રબારી પ્રજા ઈલેક્ટ્રોનિક્લ ઈક્વિપ્મેન્ટસથી ગાય દોયે.. કચ્છની મિલ્ક પ્રોડક્ટ વિશ્વવિખ્યાત થાય…!!!
એક બહેન ને વુમબ્સ એમ્પવર્મેન્ટની વાત કરી.. દરેક સરકારી – બિન સરકારી હોદ્દા પર મહિલાઓ હશે ! એ કલ્પના સાથે.. પર્યાવરણ દિવસ નિમ્મિત્તે ઈ-મગઝિન લોંન્ચ કરી.. જેનું જાગૃતિ બહેનને ઉભા થઈને વધાવી.. કહ્યું કે કુંજલે એકવાર રાતે સાડા દસે મેસેજ કર્યો.. હાલો.. મિટિંગ કરવા.. અરે! અત્યારે ક્યાં મિટિંગ? ઓ10426562_10152753000602271_9112032638372375376_nનલાઈન.. વ્હોટસેપમાં..!
અમે સહુ બહેનપણીઓ  એ ઓનલાઈન ઈ મેગેઝિનની શરુઆત આજ રીતે કરી છે.. ત્યારબાદ ગુજરાતી પ્રાઈડ કઈ રીતે ડાઉન્લોડ કરવી વગેરે સમ્જાવ્યું.. જાણે ઇ – મેગેઝિનનું વિધિવત વિમોચન થયું !
ઈશ્વરની વ્યવસ્થામાં વિક્ષેપ પડે એટલે વિફરે એનું પ્રત્યક્ષ ઉદાહરણ ગ્લોબલ વોર્મિંગ.. પણ આપણી જેમ દુનિયામાં દરેક જગ્યા એ આવા નાને મોટે પાયે કાર્યક્રમો થતા જ હશે.. અને ઈશ્વર એ જોઈ ઉપરથી તથાસ્તુ કરે છે.. એ ઈશારે બે દિવસથી પડતા વરસાદને વધાવીયે કહી.. મે બોલવાનું પૂરું કર્યું.. મમ્મીની સામે ફરી જોયું.. એમના ચહેરા પર સ્મિત જોઈ.. હાશ થયું…
બીજા જે નિર્ણાયક હતા એમણે ખુબ નિરિક્ષણ ભરી ચિત્રોની બાબતે સુચનો રજુ કર્યા.. કે તાળીઓથી વધાવાયા.. નામ જાહેર થયા અમુક્ને મારા દ્વારા અમુક વિજેતાઓને બીજા મહેમાનો દ્વારા ઈનામો અપયા અમને આભાર કહ્યો..! મજા.. આવી.. 11281894_1455014874810849_579471104_n પપ્પા મમ્મી આ કાર્યક્રમ સામે બેસીને જોતા હતા.. આજ સુધી કેટલીય સ્કુલ, કોલેજ અને જ્ઞાતિનાં કાર્યક્રમોમાં વકૃત્વ, ગાયન, મહેંદી કે ચિત્ર સ્પર્ધક તરીકે મસ્તીથી જીવી છું.. નેવર સ્ટૂટ સેકેન્ડ! 😉 એક તો પહેલો હોય કયાં તો ત્રીજો.. 🙂
ફરી ઘરે આવી.. રાત્રે મોડેકથી પણ ઈ મેગેઝિનની સરભરામાં જોડાઈ.. ગૃપમાં.. કેમ ડાઉન્લોડ કરવું? કેમ રેટિંગ આપવું? કેમ ફેસબુકમાં શેર કરવું.. સૌ સખીઓ સાથે આજે આખો દિવસ વિત્યો.. અલબત્ત ઓન્લાઈન જ.. આસપાસનું પર્યાવરણ મને અચાનક જ હર્યુંભર્યું લાગે છે.. મનમાં ગણગણું છું.. મારું ચોમાસું ક્યાંક આસપાસ છે….