fmales gettogather

તોફાની તાંડવ ગુજરાતી દૈનિક સાહિત્યક્ષેત્રે કંઈક નવું નવું કરવા માટે ખૂબ જાણીતું છે.  તોફાની તાંડવ ગુજરાતી  દૈનિક તથા વ્હોટ્સેપનાં પ્રતિષ્ઠિત પરિવાર કવિઓનાં મંચ દ્વારા વ્હોટસેપ ગૃપ તથા ગૃપ એડમીનોને વધાવવા માટે તેમની પ્રતિષ્ઠા અને નામ ઉજાગર કરવા માટે આ એક નવી કોલમ શરૂ કરવામાં આવી છે. જે અઠવાડિયામાં બુધવાર અને શનિવારનાં રોજ પ્રતિષ્ઠિત થશે. તો આવો, આજે વાંચીયે ફિમેલ્ઝ ગૃપ વિશે.

tofani tandav pic

F~males ગૃપઃ વ્હોટસેપથી અમદાવાદની પ્રથમ સફરઃ

ઓનલાઈનની દુનિયામાં સતત સાત વર્ષથી ઓર્કુટ, ફેસબુક, વી-ચેટ અને વ્હોટસેપમાં ધધમતું મહિલાઓ માટેનું અલાયદું ગૃપ. સ્ત્રીઓ મુક્તપણે પોતાના વિચારો નિઃસંકોચ કહી શકે, વિશ્વવ્યાપી પ્રગતિમાં મક્કમપણે તાલ મેળવી શકે, નાનીમોટી ખુશહાલીઓ અને આફતોને એકબીજાના સહિયારા અને સધિયારા સાથે વહેંચી શકે એ પણ કોઈ જ પક્ષપાત કે કનડગત વિના એ હેતુથી ‘વુમન્સ ડે’ ૨૦૦૮થી ઓરકુટના જમાનાથી બનાવેલ કોમ્યુનિટિ, ફેસબુકમાં ગૃપ બન્યું અને વ્હોટસેપમાં એની અલગ-અલગ વિષયો મુજબ શાખાઓ બની.

એક એવો સમૂહ કે જે વર્ષોવર્ષ એકબીજા સાથે દેશ – વિદેશ, સ્થળ કે સમય, નાતજાત કે ઉમરનાં ભેદ વિનાં સાંકળાયેલ છે. ફિઝિકલ ચેલેન્જ સખીઓ, ટીનેજર્સ, કોલેજ ભણતી, નોકરી કરતી કે ગૃહિણીઓ. સાઠી વટાવેલ નિવૃત્ત વડીલ સખીઓ, કવિયત્રીઓ, લેખીકાઓ, પત્રકાર, ટી.વી એન્કર, ગાયિકા, યોગા એક્ક્ષપર્ટ, વિવિધ ક્ષેત્રનાં નિષ્ણાંત તબીબ, શિક્ષિકા અને પ્રધ્યાપિકા, વકિલ, બ્યુટિ એક્પર્ટ, ચોકલેટ મેકર, આર્કિટેક્ટ અને એંજીનિયર્સ એમ દરેક ક્ષેત્રમાં વર્ચસ્વ દાખવતી મહિલાઓ અહીં ટચ સ્ક્રીન મોવાઈલ ફોનનાં માધ્યમથી બારેયમાસ અને ચોવીસેય કલાક હાજર.

આરોગ્ય માહિતિ માટે ફિટનેસ, પાકશાસ્ત્ર શીખવા ફુડિઝ, અંગ્રેજી ભાષાની ચર્ચા કરવા ઈંગ્લિશવિંગ્લિશ, સ્ત્રીઓની અંગત બાબતો ચર્ચવા માટે પણ નોખું ગૃપ સાથે મુખ્ય ગૃપ કે જેમાં ૨૪x7  ચટરપટર વાતચીત, ગોસેપિંગ થતું હોય. શેરીંગ – અપલોડિંગ અને ફોર્વડેડ મેસેઝિસની રમઝટ કરવા અડા ગૃપ. જનરલ નોલેજ અને લિટરેચર ચર્ચા અને સરકારી કે બેકિંગ પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરી માટે અલાયદી શાખા ગી.કે.એલ. તો પાછું આર્ટવર્કશોપ સમું આર્ટીસન ગૃપ જુદું જેમાં હસ્તકલાઓ અને વેસ્ટમાંથી બેસ્ટ તથા સ્વરચિત કલાકૃતિઓનાં ફોટોઝ અને બનાવવાની રીત અને ખરીદ – વેચાણની તક મુકી શકાય. રેકોર્ડિંગ ફિચર્સ દ્વારા ઓનલાઈન અંતાક્ષરી પણ જુસ્સા ભેર રમવા અને ગરબા – ભજનો ગાવા મ્યુઝિક રસિક સખીઓનો અલાયદો સમૂહ છે.

અહીં તો ઓનલાઈન જ વાર તહેવાર ઉજવાય, હરિફાઈ યોજાય, જન્મદિવસ કે માઠા પ્રસંગની પણ અહીં રજુઆત થાય! બાળકનાં જન્મની ઉજવણી થાય અને માંદેસાજે ગેટવેલ સૂનની શુભેચ્છાઓની સરવાણી ફૂટે.

૨૫૬થી વધુ સખીઓ વિવિધ શહેરો અને દેશોમાંથી આ ગૃપની જુદીજુદી શાખાઓમાં જોડયેલ છે. અલબત્ત આ બધા જ વ્યવહાર વ્હોટસેપનાં જ માધ્યમથી પાર પડે છે. fmales.group@gmail.com વડે ગૃપનાં આગેવાન સખીઓનો સંપર્ક સાધી શકાય.

એફમેલ્ઝ ગૃપનાં પ્રણેતા કુંજલ છાયા (ગાંધીધામ) સાથે તર્જની પટણી (આણંદ), ભાવના ત્રિવેદી (આણંદ), રીના ત્રિવેદી (યુ.કે.), જાહ્નવી અંતાણી (વડોદરા), શ્ર્લોકા પંડિત (અમદાવાદ), રાખી શાહ (પુના), હિના કુલાલ (ઈઝરાયલ), મેઘલ મજમુદાર (રાજકોટ) ફેસબુક અને વ્હોટસપનાં દસેક જેટલાં પેટા ગૃપનું સંચાલન કરે છે. એડમીન સખીઓનાં જ આટલાં નામ છે. તો સતત સંપર્કમાં રહીને સંગાથ નિભાવનાર દરેકનાં નામ સામેલ કરવું બહુ અઘરું. સખીપણાનાં એક નાનાં વિચારબીજમાંથી વટવૃક્ષ થવાનાં અણસાર ચોક્કસ છતા થાય.

અહીં દરેક નિર્ણયો મિટિંગ કરીને લેવાય છે અને એનું આયોજન પણ કરાય છે. એડમીન થકી લેવાતા નિર્ણયોને ‘એડમીનવેડા’ કહીને સૌને બ્રોડકાસ્ટ થકી જાણ કરાય છે.

આવા આ અદ્વિતિય ગૃપની સખીઓએ પોતાના મનની વાત, લાગણી અને વિચારોને સમજવા, જાણવા અને માણવાનાં હેતુસર પ્રત્યક્ષરૂપે ઓનલાઈન દુનિયાથી બહાર આવીને સૌ સખીઓનાં સાથ સહકાર સહ અમદાવાદ ખાતે પ્રથમ વખત સ્નેહમિલન યોજ્યું. અગાઉ અલક-મલક્ની વાતો અને સેલ્ફિ લઈને છુટા પડેલ વિવિધ શહેરોની નાનીશી મુલાકાતો થતી. પરંતુ આ વખતે મોટે પાયે આયોજન કરવાની ઈચ્છા સાથે સખીઓને બ્રોડકાસ્ટ મેસેજ કરાયો અને સખીઓએ આ સંદેશને વધાવી લીધો. ૩૧ જુલાઈ, ૨૦૧૬ તારીખ નક્કી થઈ અને સહુ કોઈ કામે વળગ્યાં.

અમદાવાદનાં એક વડીલ સખી લતાબેન કાનુગાનો તરત મેસેજ આવ્યો કે બેના તમને સોમવાર સુધીમાં કંઈ વ્યવસ્થા કરી આપું. તોફાની તાંડવ સંકુલનાં મોભી જીગરભાઈ ઠક્કરનાં સંપર્ક સહ અમદાવાદનાં ઓરિયેન્ટ ક્લબનાં વાતાનુકૂલિત કોન્ફરન્સ હોલમાં ખૂબ જ સરસ આયોજન થયું જેમાં નહિવત ખર્ચ સખીઓને સાંપડે એની તકેદારી રખાઈ. કલ્બનાં શ્રી અજીતભાઈ પટેલ ત્યાં હાજર રહીને સૌ બહેનોને આવકારી. સ્વરચચિત ગીતોની સી.ડી ‘લાડલી’ સૌ બહેનોને ભેટ આપી. તેમનો પુષ્પગુચ્છથી આભાર વ્યક્ત થયો.

સ્નેહમિલનનાં આરંભે જ થતાં જ જેમનો ફક્ત ફેસ કે અવાજથી પરીચય હોય એવાં સખીનો સદેહે ઓળખાણ થઈ. સહુએ પોતાનો સંઘર્ષ અને સાફલ્યગાથા કહી. એકેક સખીનાં રવમાં આત્મવિશ્વાસ અને સ્નેહમિલનનો આનંદ છલકાયો. ચા અને બિસ્કીટની જયાફત માણતે સૌ અદભૂત એક્ય ભાવના વાતાવરણમાં એકાકાર થયતાં ગયાં. બે વાગ્યે ભોજન પીરસાયું. અષાઢી મોસમમાં ભજીયાં, ગુલાબજાંબુ અને પંજાબી શાક રોટી અનેક વાનગીની મોજ સાથે સંતૃપ્તિ હતી સહિયારાપણાંની. આ વ્યવસ્થામાં લતાબેન કાનુગાની સાથે પુજા ધોળકીયા અને મિતલ પારેખે સારી જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમાં મોટરાઈઝ્ડ વ્હિલચેર પર બેસેલ મુખ્ય એડમીન સહીત અન્ય ૧૦ ડિફર્ન્ટલી એબલ્ડ સખીઓની હાજરી પણ ધ્યાન દોરે એમ હતી. જેમને સંપૂર્ણ પણે અન્ય સહેલીઓ મદદરૂપ પણ રહી.

સામાન્ય મોજીલી કિટી પાર્ટી કે સાદું ઘરેલું મહિલા મંડળનું માળખું નહિ આ એક નવી પેઢીના વહેતા પ્રવાહમાં ધપતું ફિમેઝ ગૃપ છે. નવી વિચારધારા સાથે તાજગી ભર્યા અભિગમને બિરદાવા ઝજૂમે છે. આર્થિક સદ્ધરતા, સર્વાંગ સ્વાસ્થય અને સામાજિક પગભરતા જેવા વિવિધ વિષયો પર વાત થઈ. અને ભવિષ્યમાં કોઈ મક્કમ યોજનાત્મક પગલું ભરશે આ સખીઓનું રંગીન વૃંદ એવા સંકલ્પ સાથે સંગીતની ધુન પર જરાવાર જુમીને સાંજે સાડા ચાર વગ્યે અઢળક સેલ્ફિ અને બેશૂમાર આનંદની છોળ સાથે છૂટા પડ્યાં. – કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

fmls gtg

તોફાની તાંડવ પરિવાર તથા કવિઓનાં મંચ પરિવાર તરફથી ફિમેલ્ઝ ગૃપ પરિવારને ખૂબ શુભેચ્છાઓ..

Abhiyaan – Mother’s Day special

abhiyaan page 30આ લિંક પર ક્લિક કરી આપ મારો લેખ અભિયાન સામાયિકની ઈ મેગેઝિનમાં વાંચી શકશો.. http://www.abhiyaanmagazine.com/…/2012-06-12-07-0…/book/843…

એક સરસ મજાનો સુખદ અનુભવ આપ સૌ સાથે શેર કરું છું..

અભિયાન સમાયિક મારા પપ્પાનું માનિતું.. ઘણીવાર એમ થાયabhiyan adv કે એક આખું અઠવાડિયું વંચાયા વિના જ છાપાઓ અને બીજા સામાયિકોની થપ્પી સાથે પડ્યું હોય.. તો કયારેક બધાં સામાયિક અને છાપાઓની પૂર્તિઓ અલપઝલપ જોઈ લેવાતી હોય એવું પણ બને!
ગયા બે અઠવાડિયા પહેલાં સૌથી છેલ્લે વાંચનારી હું ઓચિંતી સૌથી પહેલે હાથમાં લીધું.. અને પાનાં ફેરવતાં એક લાલ રંગનાં પાનાં વાળી આકર્ષક લાગતી જાહેરાત પર નજર ગઈ..!
ચૂપચાપ નજર ફેરવી ને ઝડપથી વાંચી લીધું. કૌટૂંબિક પ્રસંગને લીધે જરાતરા વ્યસ્ત રહી.. મનમાં તો એ જ લાલ રંગનું પાનું ફર્યા કર્તું હતું.
મમ્મી ઘણી વખત કહેતી, મા વિશે ક્યારેય ન લખતી.. કેમ કે મા ને ઋણ લખાણો લખીને નહીં પણ લાગણીને સાબીત કરીને બતાવવનું હોય! મા ફરજ બજાવે જ છે.. એને ગાઈ વગાડવાની ન હોય!
મમ્મી ના આ મક્કમ વિચારો હું જાણતી હતી.. એટલે એમ થતું લખું ન લખું? કેવું લાગે પોતાના વિશે લખવુ? મા વિશે લખવુ?  છેલ્લા અઠઅાડિયે આજ જાહેરાત ફરી વાંચી.. ૨૮ તારીખ રાતે ૮ વાગે! જમીને ૯ઃ૪૫ લખવા બેઠી.. મમ્મી પપ્પાને એમ કે હું કશુંક બીજું લખતી હોઈશ.. રાતે ૧૧ઃ૧૫ લખીને કહ્યું કે એક લેખ વંચાવુ? હમણાં જ લખ્યો છે..!
એ હું વાંચી ગઈ.. અંતે હું જ રડી પડી વાંચતે વાંચતે.. ! મોકલું? પૂછવાની હિંમત જ ક્યાં હતી.. મમ્મી પપ્પા ક્યારેય સરસ લખ્યું છે એવું કહે જ નહીં અને હું કેવું છે એવું પૂછતી જ નથી.. ભૂલચૂક અચૂક કહે છે!.. મોડેકથી ૧૧ઃ૨૫ આસપાસ મોકલી દીધો.. અને હરી શરણમ.. સૂઈ ગઈ..

parcel abhiyaan ગુરુવાર, ૭ ૨૦૧૫ સાંજે હું મારા ક્લાસમાં હતી ત્યારે અજાણ્યાં નંબરથી ફોન આવ્યો.. જનરલી હું ટ્યુશન કરાવતી હોઉં ત્યારે ફોન સાઈલેન્ટ પર જ રાખું છું પણ એ દિવસે કઈંક કારણસર ફોન ઓન હતો.. ફોન પત્યા પછી ક્લાસમાં જ હું ઢીલી થઈ ગઈ.. “મમ્મી.. અભિયાન વાળો લેખ સિલેક્ટ થયો છે.. !”

abhiyan letterમમ્મી પણ ખુબ જ ખુશ થઈને ટ્યુશનનાં બાળકોને કહ્યું, “ક્લેપ… દીદીનો લેખ આવશે મેગેઝિનમાં..!” એ બાળકો વધું કઈ સમ્જ્યા નહીં.. પછી તો ફોન કર્યો.. પપ્પા અને કાકા અને ભાઈને.. લિંક શોધી, ખોલીને વાંચ્યો અને ક્લાસમાં જ વંચાવ્યો..

આ અઠવાડિયાથી મધર્સ ડેની બીજી પણ એક ઈવેન્ટ કરી છે એ આ પછીના દિવસોમાં કહીશ…

કાલ સવારે.. અભિયાનની કોપી સાથે ગુજતના મહિલા પત્રકાર અને હવે એડિટર એવા જ્યોતિ ઉનડકટની સહી વાળો પત્ર સાથે એક કોપી ખાખી પરબિડિયા આવ્યું જે શેર લોહિ લડાવી ગયું..!

કોઈ પણ લખાણને પ્રગટ કરતાં પહેલાં એડિટ થયું જ હોય.. કેમ કે પ્રસંગો પાત સાર કાઢીને જ છાપવાનું હોય.. પણ આ કુંજકલરવ તો મારું ઘરનું.. એટલે અહીં અન્કટ.. અનએડિટેડ.. લેખ મુકું છું..

મધર્સ ડેની ઉજવળી અભિયાન સંગ….

“મેરે ઘર આઈ એક નન્હી પરી..” જન્મ પછી મમ્મી ગાતી. એમને ક્યાં ખબર હતી કે એમની લાડકવાઈ આજીવન ‘લિટલ એંજલ’ રહેશે! ‘Osteogenesis Imperfecta’ જેને સરળ ભાષામાં બરડ હાડકાની આનુષાંગિક ત્રુટિ કહી શકાય. સષ્ઠીપૂર્તિની ઉંમરની મમ્મી ત્રણ દાયકા વટાવવાને આરે હોય છતાંય માત્ર અઢીફૂટની દિકરીને ત્રણ વાસાના બાળકની જેમ સાચવે છે! સંઘર્ષનો એક તબ્બકો વીતી ગયો છે જ્યારે ખોળામાં લઈને સામાન્ય બાળકની જેમ રમાડવું, ધવરાવવું કે ઉંચકવું પણ મુશ્કેલ હતું. જનમતાવેંત ફક્ત કોમળ મુખારવિંદ દેખાય અને નાનકડું શરીર પ્લાસ્ટરમાં! સતત તબિબિ સારવાર, સાતથી આઠ ઓર્થોપેડિક ઓપરેશનસ! દવા+દુવા કોઈજ પ્રયત્નોમાં કચાશ નથી. ફકત માવજત કરવી રહી એ વાસ્તવિક્તા સ્વીકારી મારી સુખાકારી એકાકી અભિયાન બની રહ્યું છે. શારીરિક પીડા મને થતી હોય ત્યારે એની અનુભૂતિ સહ અડીખમ ઉભેલાં મમ્મીપપ્પા સંયમથી પડખે રહ્યા હોય!

મારા જન્મ પછી અહર્નિશ દુઃસાધ્યતા સભર જીવનશૈલીમાં ઈશ્વ્રરીય ભેંટ સમો ભાઈ કણ્વ જનમ્યો. આજે એની “ડોલી” ઢીંગલી જેવી પ્રેમાળ પત્ની છે. મમ્મી તો મમ્મી જ છે પણ મારી સાસુ વધારે છે! કહે કે, “હું કાન આમળીને સાચું-ખોટું નહીં સમજાવું તો આગળ જતાં માં સિવાય કોણ સહન કરશે?” ક્યારેક પથારીવશ કંટાળો કે રોષ મા સામેજ વ્યક્ત કરી બેસું પછી થોડીવારે પાણી આપીને પૂછે, “કઈ ખાવું છે?” મા-બાળકનો સંબંધ ગર્ભધાનથી જોડાય અને નાડી કપાય પછી છૂટાં પડે. મમ્મી મારાથી ક્ષણીક પણ અળગી નથી રહી. અમને તો ભૂખ-તરસ પણ સાથેજ લાગે!

વડોદરાની હોસ્ટેલમાં કેનવાસનાં જોડા પહેરેલ માર્ચપાસ્ટ લીડર વર્ષા માંકડ કે પછી રાજકોટમાં ભણતી અને પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતી એ બધાજ અસ્તિત્વને મૂકી મક્કમ નિર્ણય હેઠળ ભેખ લીધો. એકોએક મોરચે ધૈર્યની પરિક્ષા લેવાતી, શાળામાં બેસાડવાના નિર્ણયથી લઈને બારમાં ધોરણમાં ધરતીકંપનાં સમયે વર્ગની બહાર બેસીને ભણાવી છે. સંગીત, કળાક્ષેત્ર અને સાહિત્યિક પ્રવૃત્તિઓ તરફ ઢળીને વ્હિલચેર સાથે ડિપ્લોમા ફેશન ડિઝાઈન કોલેજ પૂરી કરી આર્ટવર્કશોપ કરાવું છું.

સંયુક્ત કુટુંબનું પહેલું બાળક, માતા-પિતાનું આશાસ્પદ, સ્નેહાળ વલણ મને એટલે કે કુંજલ પ્રદિપ છાયાને સહેજ પણ ઓછું આવવા નથી દીધું. શ્રેષ્ઠતમ અભ્યાસ અને સંસ્કારનું સિંચન સાથે અસામાન્ય સંજોગોમાં હતાશાથી ઝ્ઝૂમીને નહીં; પરંતુ ઉમંગભેર, આત્મવિશ્વાસ અને ખુમારી સાથે દંતકથા સમું જીવન જીવવા મને પ્રેરે છે! સંતાન જીવનનો ધબકાર હોય તો ‘મા’ શરીરમાં પ્રસરતું રક્ત છે! રાત્રે સુવા પહેલાં પ્રાર્થના કરીને ઈશ્વરને કૃતજ્ઞતા વ્યક્ત કરી પૂછી બેસું છું, “હું વર્ષા પ્રદિપની દિકરી ન હોત તો?”

– kunjal pradip chhaya

Women’s Day interview on GS 2013

ગુરુવાર, 7 માર્ચ, 2013

વિશ્વ મહિલા દિને નાનકડી પરીની અદભૂત કથા

નારી સામે ભલે અનેક પડકારો હોય પરંતુ દિલમાં હોંશ, ધગશ અને આત્મવિશ્વાસ હોય તો તેવી સ્ત્રી વ્યકિત ડૂંગર તોડીને પણ આગળ વધવા માટે સક્ષમ છે. આવી જ એક મહિલાની સંઘર્ષ ગાથા અત્રે પ્રસ્તુત છે.

લીટલ એન્જલ તરીકે ઓળખાતી કૂંજલ પ્રદિપ છાયાના જન્મ સાથે જ કુદરતે અનેક પ્રકારની મુસીબતો ભેટમાં આપી હતી. પોતાનું લગભગ ર૭ વર્ષનું જીવન પથારી અને વ્હીલચેર પર બેસીને ગાળતા કુંજલે આધુનિક ઉપકરણોની મદદથી પોતાની દુનિયા ઉભી કરી છે. જન્મથી જ તેની લંબાઈ માત્ર અઢી ફૂટ છે,એક દોઢ કિલોનું લેપટોપ પણ ન ઉંચકી શકે અને રપ૦ ગ્રામનો મોબાઈલ ફોન વધારે વખત પકડીને થાકી જાય એવી એમની શારીરિક સ્થિતિ છે. તેને જન્મથી બરડ હાડકાની બિમારી ‘ઓસ્ટીઓ જીનેસીસ ઈમ્પર્ફેકટા’છે. આ બિમારી ભાગ્યે જ લાખ બાળકોમાંથી એકમાં જોવા મળતી હોય છે તેના હાડકા જરૃરી કેલ્શિયમ અને બીજા પ્રોટીન, મિનરલ્સને સોશી ન શકે અને યોગ્ય રીતે શરીરનો વિકાસ ન કરે જેથી જરા વધુ ભાર આવતા શરીરના કોઈ પણ ભાગમાં ફ્રેકચર થઈ જાય, તેના શરીરમાં નાનપણથી જ ૮-૯ જેટલા ઓર્થોપેડીક ઓપરેશનો કરાવેલા છે. માત્ર અઢી ફૂટનું જ શરીર ધરાવતી હોવાથી કૂંજલને પોતાને ‘લીટલ એન્જલ’ કહેડાવે છે.
સામાન્ય રીતે કુટુંબનું પહેલું સંતાન આવું જન્મે તો તેના માતા – પિતા ભાંગી પડે પરંતુ કુંજલબેનના મમ્મીએ હિંમત ભર્યા વગર કુંજલબેનનો એવો વિકાસ કર્યો છે કે જોનારા દંગ રહી જાય. કૂંજલબેનને ર૭ વર્ષે પણ સાત વર્ષના બાળકની જેમ સાચવી પડે તેવી સ્થિતિ છે. પહેલા ધોરણથી જ શાળામાં એડમીશન નહીં આપી શકીએ એવો નનૈયો સાંભળવા મળતો. પણ માતા વર્ષાબેન જાણે કુંજલબેને ભણાવવાની ટેક લીધી હોય તેમ ઘરે જ શિક્ષક અભ્યાસ કરાવે તેવી વ્યવસ્થા કરી કુંજલબેને એચએસસી કર્યા બાદ ફેશન ડિઝાઈનમાં ડિપ્લોમાં પણ કર્યું તે ખુબ જ સારી રીતે બેથી ત્રણ ભાષાઓ ઉપર પ્રભુત્વ ધરાવે છે. કોમ્પ્યુટર અને શાસ્ત્રીય સંગીતની પણ તાલીમ લીધી છે.
નાગર ગૃહસ્થોમાં સંગીત પ્રેમ લોહીમાં જ હોય તેના ગુણો કુંજલબેનના ઉતર્યા છે તે ભુજના બળદિયા નામના નાનકડા ગામમાં રહીને ટયુશન કલાસ પણ ચલાવે છે. ઈંગ્લીશ સ્પીકીંગ, પર્સનાલીટી ડેવલપમેન્ટ,મહેંદી, ભરતકામ, કેન્ડલ મેકીંગના કલાસ પણ કુંજલબેન ચલાવે છે તથા હેન્ડીક્રાફટના વર્કશોપ પણ કરે છે.
શરીરની ઉંચાઈ ભલે ટૂંકી છે પણ કૂંજલબેનનો પ્રચંડ આત્મવિશ્વાસ અને હોંસલો આકાશે આંબે તેવો ઉંચો છે. કુદરતી આફતો સામે હિંમતપૂર્વક લડત આપનારા કૂંજલબેનને ઈન્ટરનેટની મદદથી પોતાની દુનિયા ઉભી કરી છે. વ્હીલચેરમાં જ હોવાથી પોતે બહાર કોઈના સહારા વગર જાતે જઈ શકે નહીં પણ ઈન્ટરનેટથી મદદથી દુનિયાભરના સંપર્કમાં રહે છે. તેમની આંગળીના ટેરવા ઓરકુટ, ફેસબુક, યાહુ વોટ્સઅપ જેવી સોશ્યલ વેબસાઈટોમાં ફર્યા કરે છે. કચ્છી નાગરાણીઓ માટે તેઓને ઈન્ટરનેટ ઉપર ગૃપ પણ બનાવ્યા છે. પોતાનો આ અનુભવ વર્ણવતા કુંજલબેન કહે છે કે, બધા સાથે વાતો કરવાની મજા આવે પણ સ્ત્રીઓએ આવી સોશ્યલ સાઈટોમાં ખાસ સાવધાની રાખવી જોઈએ.
સામાજીક સાઈટમાં પણ સ્ત્રીઓને હેરાનગતિ થાય છે, ઓનલાઈન ગૃપમાં સ્ત્રીઓને લગતી પ્રવૃતીઓ થાય છે, પાંચ વર્ષ પહેલા ઓરકુટમાં ગુજરાતી હાસ્યલેખન ગૃપમાં તેને એવા ફ્રેન્ડઝ મળ્યા કે તેનું જીવન પલટાઈ ગયું, તેમને જીવવાની પ્રેરણા મળી.
કુંજલબેને લેખનક્ષેત્રે પણ કાઠું કાઢયું છે, તેમનો ગુજરાતીમાં બ્લોગ kunjkalrav.wordpress.com ઘણો લોકપ્રિય બન્યો છે. ટૂંકી વાર્તા જેવા સાહિત્યના ક્ષેત્રમાં પણ તેમને ખેડાણ કર્યું છે. ઈન્ટરનેટની મદદથી શેરમાર્કેટમાં પણ ઝંપલાવીને ઘરમાં આર્થિક રીતે મદદરૃપ થાય છે. ઈ – બુટીક બનાવવાનો પણ તેનો પ્લાન છે, તે વિઝા અંગે પણ કલાસીસ ચલાવીને માર્ગદર્શન આપે છે. તેની અજોડ બુધ્ધિ પ્રતિભાથી તે સૌ માટે આર્શિવાદરૃપ બની ગયા છે. કુંજલબેન સ્ત્રીઓ માટે પ્રેરણારૃપ છે.
આ લેખની પીડીએફ ફાઇલ માટે ક્લીક કરો
women's day

‘ગુજરતી હાસ્યલેખન પરિવાર’ ઓરકુટનાં જમાનાથી ખાસ્સામોટા ગૃપમાંથી મળેલ અગણિત અમૂલા મિત્રોમાંના એક યોગેશ કવિશ્વર ભાઈ કે જેઓ પત્રકારિત્વમાં સારી સેવા આપે છે એમણે ૨૦૧૩નાં મહિલા દિને ગુજરાત સમાચારની કચ્છની આવૃતિમાં મારા વિશે આ લેખ એક ટેલિફોનિક ઈન્ટવ્યુ દ્વારા લિધેલ. મારું જુનુ ફેસબુક પ્રોફાઈલ અને બ્લોગ બંન્ને ક્રેશ થઈ ગયાં હોવાથી જુનું બેકઅપ સચવાયેલ નથી છતાં યોગેશ ભાઈનાં બ્લોગમાં આ લેખ હતો! એ જોઈને હાશકારો થયો.. http://www.marivat.com/2013/03/blog-post_973.html એમનાં બ્લોગની લિંક.
અભાર. યોગેશ ભાઈ.